(ANI Photo/Bhupesh Baghel twitter)

નેશનલ ઇન્વેસ્ટિંગેશન એજન્સી (એનઆઇએ)એ અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિન્ટ (AQIS) અને તેહરીક-એ-તાલિબાનના આતંકી ષડયંત્રના કનેક્શનમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં દરોડા પાડ્યાં હતાં અને ડિજિટલ ડિવાઇસ સહિત સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતાં. આ બંને આતંકી સંગઠનો ભારતમાં આતંક ફેલાવવા માટે દેશમાં યુવાનોને કટ્ટરપંથી બનાવીને ભરતી કરી રહ્યાં હોવાનો આરોપ છે.

એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ એમ ચાર રાજ્યોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન આ જપ્તી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ત્રણ સ્થળોએ અને અન્ય ત્રણ રાજ્યોમાં એક-એક જગ્યાએ સર્ચ કાર્યવાહી દરમિયાન સંખ્યાબંધ ગુનાહિત ડિજિટલ ઉપકરણોના મળી આવ્યાં હતાં. એનઆઈએ ષડયંત્રમાં સામેલ લોકોને ટ્રેક કરવા અને બે આતંકવાદી સંગઠનોની ગેરકાયદેસર અને કટ્ટરપંથી યોજનાઓ અને અભિયાનોને  નિષ્ફળ બનાવવા માટે ઉપકરણોની તપાસ કરી રહી છે. આ બે આતંકી સંગઠનો દેશને અસ્થિર કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.

અધિકારીએ કહ્યું કે આ પ્રતિબંધિત સંગઠનો દ્વારા અગાઉ ભરતી કરાયેલા બે આરોપીઓ સામે એપ્રિલમાં નોંધાયેલા કેસની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યાં હતા. આ બંને આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. તેમાં અફઘાનિસ્તાનમાં જમીન ખરીદવા માટે વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર સહિત સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ યુવાનોને કટ્ટરપંથી બનાવીને તેમને આ બંને સંગઠનોમાં ભરતી કરવામાં સંડોવાયેલા હતા. આવા યુવાનો દ્વારા દેશમાં આતંકી પ્રવૃત્તિઓ કરવાની તેમની યોજનાઓ હતી.

AQISનો ઇરાદો ભારતીય ઉપખંડમાં ઇસ્લામિક રાજ્ય અને ઇસ્લામિક ખિલાફતની સ્થાપના કરવાનો છે, જ્યારે તેહરીક-એ-તાલિબાન અફઘાન-પાકિસ્તાન સરહદે કાર્યરત વિવિધ ઇસ્લામી સશસ્ત્ર આતંકવાદી જૂથોનું એક છત્ર સંગઠન છે.

 

 

LEAVE A REPLY