વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે સરકારમાં તેમના રેકોર્ડનો મજબૂત બચાવ કરતાં કહ્યું હતું કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શાળાઓ બંધ થવાનું કારણ શિક્ષણ ભંડોળમાં મૂકાયેલો કાપ હોવાનો આરોપ સંપૂર્ણપણે ખોટો છે. રિઇનફોર્સ્ડ ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રીટ (RAAC) ની ચિંતાને કારણે 100 થી વધુ શાળાઓ સંપૂર્ણ અથવા આંશિક બંધ થયા પછી આ અઠવાડિયે નવી ટર્મની શરૂઆતમાં હજારો વિદ્યાર્થીઓને વિક્ષેપનો સામનો કરવો પડ્યો છે.
ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન (DfE)ના ભૂતપૂર્વ વરિષ્ઠ સિવિલ સર્વન્ટે આક્ષેપ કર્યો હતો કે ચાન્સેલર તરીકે સુનકના કાર્યકાળ હેઠળ યુકે ટ્રેઝરી શાળાઓના પુનઃનિર્માણની યોજનાઓને યોગ્ય રીતે ભંડોળ આપવામાં નિષ્ફળ ગઈ હતી.
સુનકે જણાવ્યું હતું કે “મેં ચાન્સેલર તરીકે 2020માં મારા પ્રથમ સ્પેન્ડીંગ રીવ્યુમાં 500 શાળાઓ માટે નવા 10-વર્ષના સ્કૂલ રીબિલ્ડીંગ કાર્યક્રમની જાહેરાત કરી હતી. હવે તે વર્ષમાં લગભગ 50 શાળાઓ સમાન છે, જેનું નવીનીકરણ અથવા પુનઃનિર્માણ કરવામાં આવશે. સરાકર વર્તમાન કટોકટીનો સામનો કરતી શાળાઓને વધારાનું ભંડોળ ઉપલબ્ધ કરાવશે.’’
લેબરના શેડો એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપ્સને જણાવ્યું હતું કે, “માઈકલ ગોવે લેબરના શાળાઓના પુનઃનિર્માણ કાર્યક્રમમાં બમણો ઘટાડો કર્યો અને હવે બાળકોના શિક્ષણમાં વધુ વિક્ષેપ થાય છે.’’
યુકેના એજ્યુકેશન સેક્રેટરી ગિલિયન કીગને આ અઠવાડિયે નક્કર કટોકટીથી પ્રભાવિત શાળાઓની સૂચિ પ્રકાશિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે સંકેત આપ્યો છે કે સરાકર સમારકામ અને અસ્થાયી આવાસ માટેનું બિલ ચૂકવશે.
RAAC એ હળવા વજનનું કોંક્રિટ છે જે યુકેમાં 1950થી 1990ના દાયકાના મધ્યભાગ સુધી છત, શાળાઓ, કોલેજો અને અન્ય ઇમારતો બાંધવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું હતું. તેમાં નોંધપાત્ર જોખમ હોવાથી તેને બદલવાની ભલામણ કરાઇ હતી.