(ANI Photo)

ગુજરાત વિધાનસભામાં આશરે 13 મિનિટના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત વિધાનસભાએ હંમેશા સમાજના હિતમાં કામ કર્યું છે. વિધાનસભાએ સમયાંતરે ઘણા પ્રશંસનીય પગલાં લીધાં છે. આજે ઇ-એસેમ્બલીનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ પગલું છે જે આ ગૃહને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) દ્વારા આ ગૃહના સભ્યો સંસદ અને દેશની અન્ય વિધાનસભાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી અને અપનાવી શકે છે. “વન નેશન વન  એપ્લિકેશન”ના ધ્યેયથી પ્રેરિત આ પહેલ ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવશે અને ગૃહની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ બનવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગુજરાત અનેક માપદંડો પર દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. તે એક અગ્રણી મેન્યુફેક્ચરિંગ હબ અને સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય છે. તે સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમના સંદર્ભમાં અને રૂફ ટોપ સોલર પાવર જનરેશન અને વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં ફ્રન્ટલાઈન રાજ્યોમાંનું એક છે. કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનવ સંસાધનોના વિકાસ માટે લોકોને સારી આરોગ્ય સુવિધા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આ પાસા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે.

રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે સરકારના પ્રયાસોથી કન્યા શિક્ષણ, ટીચર-સ્ટુડન્ડ રેશિયો, એનરોલમેન્ટ રેશિયો, અને રિટેશન્શન દરમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં ત્રિ-સ્તરીય આરોગ્ય પ્રણાલી દ્વારા પૂરી પાડવામાં આવતી સારી તબીબી સેવાઓની પ્રશંસા કરી હતી. તેનાથી માતા મૃત્યુ પ્રમાણ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કર્યો હતો. તેમણે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વીજળી ક્ષેત્રના સુધારા અને જળ સંચય અને પાણી પુરવઠામાં કરેલા નોંધપાત્ર કાર્યોની પ્રશંસા કરી હતી.

ગૃહમાં મહિલા પ્રતિનિધિત્વ વિશે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે, ત્યારે રાજકારણમાં તેમના પ્રતિનિધિત્વમાં વધારો થવો જોઇએ.

રાષ્ટ્રપતિ મુર્મુ સંબોધનની શરૂઆતમાં જ  ગુજરાતના પ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોષી રચિત પંક્તિ વાગોળી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગવર્નમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે, જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. વિકાસના પ્રણેતા નરેન્દ્ર મોદી આ ધરાના જ પુત્ર છે. રાષ્ટ્રપતિ પહેલીવાર ગુજરાત વિધાનસભામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં નેશનલ ઇ-વિધાનસભા સુવિધા શરૂ થઈ છે.

 

LEAVE A REPLY