Actor and director Satish Kaushik passed away
(ANI Photo)

બોલિવૂડના જાણીતા એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, કોમેડિયન અને સ્ક્રીન રાઈટર સતીષ કૌશિકનું ગુરુવારે હાર્ટ એટેકથી દિલ્હીમાં અવસાન થયું હતું. તેઓ કારમાં મુસાફરી કરતા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમની ઉંમર 66 વર્ષ હતી. એક્ટર અનુપમ ખેરે ગુરુવારે વહેલી સવારે ટ્વિટ કરીને આ દુઃખદ માહિતી આપી હતી. સતીષ કૌશિકના નિધનના સમાચારથી મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

હોળી-ધૂળેટીનું પર્વ મંગળ-બુધવારે ઉજવવામાં આવ્યું હતું. ત્યારે એક્ટર સતીષ કૌશિક પણ હોળી પાર્ટીમાં સામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સતીષ કૌશિકે હોળી પાર્ટીની તસવીરો શેર કરી હતી.

અનુપમ ખેરે સતીષ કૌશિક સાથેની તસવીર શેર કરતાં ટ્વિટર પર લખ્યું, “જાણું છું કે, મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે! પરંતુ આ વાત હું જીવતા જીવ મારા ખાસ દોસ્ત સતીષ કૌશિક અંગે લખીશ તેવું મેં સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. 45 વર્ષની મિત્રતા પર અચાનક આમ પૂર્ણવિરામ! જિંદગી તારા વિના પહેલા જેવી નહીં રહે સતીષ. ઓમ શાંતિ.”
કંગના રનૌતે પણ સતીષ કૌશિકના નિધન પર શોક કરતા ટ્વીટ કર્યું હતું કે “આ દુઃખદ સમાચાર સાથે મારી સવાર પડી. મારા સૌથી મોટા પ્રશંસક, સફળ એક્ટર અને ડાયરેક્ટર સતીષ કૌશિકજી વ્યક્તિગત રીતે ખૂબ દયાળુ અને સારા વ્યક્તિ હતા. ‘ઈમર્જન્સી’માં તેમને ડાયરેક્ટ કરવાનો લાભ મળ્યો.” ઉલ્લેખનીય છે કે, સતીષ કૌશિક હાલ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’માં કામ કરી રહ્યા હતા.

સતીષ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ હરિયાણામાં થયો હતો. તેમણે 1972માં દિલ્હીની કિરોડીમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી પણ અભ્યાસ કર્યો હતો. સતીષ કૌશિકને ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં કેલેન્ડરનું પાત્ર ભજવીને ખ્યાતિ મળી હતી. તેમને કેટલીય ફિલ્મોમાં સાઈડ રોલમાં જોવા મળ્યા હતા. ‘રામ લખન’ અને ‘સાજન ચલે સસુરાલ’ ફિલ્મો માટે તેમને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો છે. ફિલ્મો ઉપરાંત સતીષ કૌશિકે ‘સુમિત સંભાલ લેગા’, ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી ડ્રામા’, ‘મે આઈ કમ ઈન મેડમ’ જેવી ટીવી સીરિયલોમાં પણ અભિનયનો જાદુ પાથર્યો હતો.

LEAVE A REPLY

9 − 7 =