27મા યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ચાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ, ઇમ્તિયાઝ અલી, ઓનિર, રીમા દાસ અને કબીર ખાન દ્વારા દિગ્દર્શિત ‘માય મેલબોર્ન’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 1મેથી 11મે દરમિયાન લંડનમાં યોજાયો હતો.
વિકસ્ક્રીન અને સ્ક્રીન ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારીમાં મીટુ ભૌમિક લેંગે દ્વારા નિર્મિત ‘માય મેલબોર્ન’એ ફેસ્ટિવલમાં ‘લોંગિંગ એન્ડ બિલોંગિંગ’ની ઉજવણી માટે ખાસ ફેસ્ટિવલ એવોર્ડ પણ જીત્યો છે.આ ફિલ્મો લિંગ, જાતિ, જાતિયતા અને અપંગતા સહિત વિવિધતાના વિવિધ વિષયોનું પ્રતિબિંબ પાડે છે.
ઇમ્તિયાઝ અલીએ એક નિવેદનમાં જણાવ્યું કે ‘માય મેલબોર્ન’ પર કામ કરવું એ ખૂબ જ સમૃદ્ધ અનુભવ હતો. આ સન્માન ભૌગોલિક મર્યાદાઓથી આગળ માનવ લાગણીઓને ઉજાગર કરતી વાર્તાઓના મહત્વને ફરીથી પુષ્ટિ આપે છે. આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે. કબીર ખાને જણાવ્યું હતું કે સિનેમામાં વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સેતુની ભૂમિકા ભજવવાની અને સહાનુભૂતિને પ્રોત્સાહન આપવાની શક્તિ છે અને આ ફિલ્મ તેનો પુરાવો છે.
‘માય મેલબોર્ન’ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર મેલબોર્નના ૧૫મા ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. બાદમાં તેને ૨૦૨૪માં MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતમાં દર્શાવવામાં આવી હતી.
