વર્ષ 2008માં અમદાવાદના અલગ-અલગ 20 વિસ્તારમાં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટના કેસમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022ના રોજ કુલ 77માંથી 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે 28 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકીનો આદેશ કર્યો હતો. (PTI Photo)

અમદાવાદમાં શનિવાર, 26 જુલાઈ 2008ના રોજ 20 સ્થળોએ થયેલા શ્રેણીબદ્ધ બોંબબ્લાસ્ટમાં 58ના મોત થયા હતા અને 240થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શનિવારની સાંજે 6-10થી 8-05 વાગ્યા દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઉપરાછાપરી વિસ્ફોટ થતાં સમગ્ર શહેર હચમચી ઉઠ્યું હતું.

અમદાવદના ખાડિયા વિસ્તારમાં 3, બાપુનગર વિસ્તારમાં 2, રામોલ 2 અમરાઈવાડી 1, વટવા 1, દાણીલિમડા 1, ઇસનપુર 1, ઓઢવ 2, કાલુપર 1, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1, નરોડા 2, સરખેજ 1, નિકોલ 1 અને ખાત્રજમાં 1 બોંબ બ્લાસ્ટ થયા હતા. રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા.ગુજરાતમાં 2002માં ગોધરા રમખાણોનો બદલો લેવા માટે ઇન્ડિયન મુઝાહિદ્દીને આ બોંબ બ્લાસ્ટ કર્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

ગુજરાત પોલીસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલીસ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસ્થાન પોલીસે આ બ્લાસ્ટમાં સંડવાયેલા આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત પોલીસને સોંપ્યા હતા.