Ahmedabad Test was watched by Modi and Australian Prime Minister Albanese
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 4થી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બાનીઝ સાથે. (ANI Photo)

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ગુરુવારે પ્રથમ દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીઝ હાજર રહ્યાં હતા.
નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન એન્થોની અલ્બેનિસનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોલ્ફ કાર્ટમાંથી બનાવામાં આવેલા એક ખાસ રથમાં બંને વડાપ્રધાનોએ સ્ટેડિયમમાં ફર્યા હતા અને પ્રેક્ષકોએ તેમને વધાવી લીધા હતી.

મોદી અને અલ્બેનીઝે પોતપોતાની ટીમના કેપ્ટન, રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ્સ આપી હતી અને ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. તેઓ બંને ટીમના ખેલાડીઓને પણ મળ્યા તથા ભારત અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત ગાવામાં આવ્યા ત્યારે તેઓ ખેલાડીઓ સાથે સાથે ઊભા રહ્યા હતો. બંને નેતાઓએ ક્રિકેટ દ્વારા 75 વર્ષની મિત્રતાનું પ્રતિનિધિત્વ કરતી ફ્રેમવાળી કલાકૃતિ ભેટમાં આપવામાં આવી હતી. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓસ્ટ્રેલિયા સાથેના ક્રિકેટ મારફતની 75 વર્ષની ઉજવણીના પ્રતિનિધિત્વ કરતી કલાકૃતિ આપી હતી. ભારતની મુલાકાતના ભાગરૂપે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બુધવારે અમદાવાદમાં આવ્યા હતા.

પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે 255 રન

ઓપનર ઉસ્માન ખ્વાજાની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચોથી ટેસ્ટ ક્રિકેટ મેચમાં મજબૂત પ્રારંભ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના કાર્યકારી સુકાની સ્ટિવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉસ્માન ખ્વાજાની લાજવાબ બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે ચાર વિકેટે 255 રન બનાવ્યા હતા. દિવસના અંતે ખ્વાજા 104 અને કેમેરોન ગ્રીન 49 રને રમતમાં હતા. ભારત માટે ઝડપી બોલર મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે બે વિકેટ ઝડપી હતી.

ઓપનિંગમાં ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાની ઓપનિંગ જોડીએ 61 રનની ભાગીદારી નોંધાવી હતી. અશ્વિને ટ્રેવિસ હેડને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ટ્રેવિસ હેડ 44 બોલમાં 32 રન ફટકારીને આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ શમીએ માર્નસ લાબુશેનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજો મોટો ઝટકો આપ્યો હતો. લાબુશેન ફક્ત ત્રણ રન જ નોંધાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 72 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

સ્ટીવ સ્મિથે 135 બોલનો સામનો કર્યો હતો અને 38 રન નોંધાવીને રવિન્દ્ર જાડેજાના બોલ પર બોલ્ડ થયો હતો. પીટર હેન્ડસ્કોબ 17 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. બાદમાં ઉસ્માન ખ્વાજાને કેમેરોન ગ્રીનનો મજબૂત સાથ મળ્યો હતો. આ જોડીએ 85 રનની અતૂટ ભાગીદારી નોંધાવી છે. આ દરમિયાન ઉસ્માન ખ્વાજાએ પ્રથમ દિવસની અંતિમ ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેને 251 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 104 રન નોંધાવ્યા હતા, જ્યારે કેમેરોન ગ્રીન 49 રને રમતમાં હતો. ભારત માટે મોહમ્મદ શમીએ બે તથા રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ ખેરવી હતી.

 

LEAVE A REPLY

six + nine =