(istockphoto.com)

રશિયાની શસ્ત્ર ઉત્પાદક કંપની કલાશ્વિકોવે આ વર્ષે ભારતમાં તેની AK-203 રાઇફલનું ઉત્પાદન ચાલુ કરવાની યોજના બનાવી છે અને તે હાઇ ટેક શોટગન માટે મોટા પાયે ગ્રાહકો આકર્ષવા માગે છે, એમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડિમિટ્રી તારાસોવે જણાવ્યું હતું. રશિયાના સૈનિક મિખાલ કલાશ્વિકોવે શોધેલી AK-47નું એડવાન્સ્ડ વર્ઝન AK-203 રાઇફલ છે.

દુનિયાભરમાં યુદ્ધોમાં દાયકાઓથી AK-47 રાઇફલનો મોટાપાયે ઉપયોગ થાય છે. તારાસોવે જણાવ્યું હતું કે અમે આ વર્ષે ભારતમાં અમારા સંયુક્ત સાહસ મારફત AK-203નું ઉત્પાદન ચાલુ કરવાની આશા રાખીએ છીએ. કલાશ્વિકોવ 27 દેશોમાં શસ્ત્રોનું વેચાણ કરે છે.

અમેરિકા અને યુરોપમાં નિયંત્રણો બાદ કલાશ્વિકોવ નવો બિઝનેસ અને બજારો મેળવવા માગે છે. સીઇઓએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કંપની 2025 સુધીમાં વાર્ષિક આવક 60 ટકા વધારીને 675.33 મિલિયન ડોલર કરવા માગે છે.

અલ્ટિમા શોટગનમાં વાઇફાઇ અને બ્લૂટુથની સુવિધા છે અને તેને સ્માર્ટ ફોન સાથે જોડી શકાય છે. કલાશ્વિનિકોવની ગ્રોથ યોજનામાં ભારત કેન્દ્રસ્થાને છે. કંપની ભારતના સંરક્ષણ મંત્રાલયના સહયોગમાં આગામી દાયકામાં 670,000 AK-203નું ઉત્પાદન કરવા માગે છે.