(ANI Photo)

ભારતના યુવા બેડમિંટન ખેલાડી લક્ષ્ય સેનનો ગયા સપ્તાહે ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ્સમાં શનિવારે સેમિ ફાઈનલમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે પરાજય થયો હતો, તો ઓલિમ્પિક મેડાલિસ્ટ પી. વી. સિંધુ બીજા રાઉન્ડમાં જ હારી ગઈ હતી.

22 વર્ષના લક્ષ્ય સેન તેના વિશ્વના નં. 9 ક્રમાંકિત, 2018ના એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ હરીફ સામે 68 મિનિટના જંગમાં 21-12, 10-21, 15-21થી  પરાસ્ત થયો હતો. અગાઉના સપ્તાહે લક્ષ્ય ફ્રેન્ચ ઓપન સુપર 750 ટુર્નામેન્ટમાં પણ સેમિ ફાઈનલમાં પરાજય સાથે અટકી ગયો હતો. જો કે, એવી ધારણા છે કે, એપ્રિલના અંતે જાહેર થનારા રેન્કિંગ્સ પછી લક્ષ્ય પેરિસ ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થઈ શકશે.

સિંધુ બીજા રાઉન્ડમાં જ આઉટઃ ભારત માટે બીજી મોટી આશા પી. વી. સિંધુ પણ કપરા પડકારના પગલે બીજા રાઉન્ડમાં જ પરાજય સાથે આઉટ થઈ ગઈ હતી. તેનો મુકાબલો હાલની વર્લ્ડ ચેમ્પિયન, કોરીઆની એન સે યંગ સામે હતો, જેમાં તે સીધી ગેમ્સમાં 21-19, 21-11 થી હારી ગઈ હતી. આ કોરીઅન હરીફ સામે સિંધુને સાત મુકાબલામાં હજી સુધી એકપણ વખત સફળતા મળી નથી.

પુરૂષોની ડબલ્સમાં ભારતના સાત્વિક સાઈરાજ રાંકીરેડ્ડીનો પણ બીજા રાઉન્ડમાં જ ઈન્ડોનેશિયાના મોહમદ શોઈબુલ ફિક્રી અને બગાસ મૌલાના સામે સીધી ગેમ્સમાં 16-21, 15-21થી પરાજય થયો હતો. તેમનો આ જંગ ફક્ત 44 મિનિટમાં પુરો થઈ ગયો હતો.

LEAVE A REPLY

15 − 4 =