Implementation of new Jantri rates for real estate property with 25% discount
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે શત્રુ સંપત્તિના નિકાલ માટે બુધવારે એક ઉચ્ચસ્તરીય સમિતિની પુનઃરચના કરી હતી. ભારતમાં સંપત્તિ છોડીને પાકિસ્તાન અને ચીનમાં સ્થળાંતર કરી ગયેલા અને ત્યાંના નાગરિક બનેલા લોકોની સંપત્તિને દુશ્મન સંપત્તિ અથવા એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે છે. આવી સૌથી વધુ શત્રુ સંપત્તિ ઉત્તરપ્રદેશમાં છે. ગુજરાતમાં કુલ 151 શત્રુ સંપત્તિ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના વડપણ હેઠળની આ સમિતિ દેશમાં આવી આશરે 12,600 સ્થાવર સંપત્તિના નિકાલની દેખરેખ રાખશે. આ સંપત્તિના વેચાણથી સરકારને આશરે રૂ.1 લાખ કરોડની આવક થવાનો અંદાજ છે. ગૃહ મંત્રાલયના જાહેરનામા મુજબ અધિક સચિવ કક્ષાના ઓફિસર આ સમિતિના ચેરમેન હશે. તેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગના પાંચ સભ્યોનો સમાવેશ કરાશે. ભારત-પાકિસ્તાનના ભાગલા અને 1962ના યુદ્ધ પછી અનેક લોકો પોતાની ઘણી સંપત્તિ છોડીને જતાં રહ્યાં હતા. આ સંપત્તિમાંથી કમાણી કરવાની સરકારની આ નવી હિલચાલ છે.

ભારત છોડીને પાકિસ્તાનની નાગરિકતા લેનારા લોકો દેશમાં કુલ 12,485 એનિમી પ્રોપર્ટી છોડી ગયા છે, જ્યારે ચીનની નાગરિકતા લેનારા લોકો 126 એનિમી પ્રોપર્ટી છોડી ગયા છે. આવી સૌથી વધુ શત્રુ સંપત્તિ ઉત્તરપ્રદેશમાં છે. ઉત્તરપ્રદેશમાં 6,255, પશ્ચિમ બંગાળમાં 4,088, દિલ્હીમાં 658, ગોવામાં 295, મહારાષ્ટ્રમાં 207, તેલંગણામાં 158, ગુજરાતમાં 151, ત્રિપુરામાં 105 અને બિહારમાં 94 દુશ્મન સંપત્તિ છે.

આ સમિતિ દુશ્મન સંપત્તિના નિકાલ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરશે. આ ભલામણમાં તેના વેચાણ, કેન્દ્ર સરકારના વિભાગ દ્વારા ઉપયોગ, ટ્રાન્સફરનો સમાવેશ થઈ શકે છે. અત્યાર સુધી આશરે રૂ.2,700 કરોડની જંગમ સંપત્તિનું વેચાણ કરાયું છે અને તેની રકમ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. જોકે અત્યાર સુધી સ્થાવર મિલકતનો નિકાલ કરવામાં આવ્યો નથી.