ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ ગુજરાતીઝ (APPG) ના ચેરમેન, હેરો વેસ્ટના એમપી અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેના શેડો મિનિસ્ટર ગેરેથ થોમસ દ્વારા હીથ્રો એરપોર્ટ પરથી ગુજરાતને સાંકળતી વધુને વધુ ડાયરેક્ટ ફ્લાઇટ ઉડાવી શકાય તે માટે એરપોર્ટ અને એરલાઇન્સનું લોબીઇંગ કરવા માટે હીથ્રો એરપોર્ટના પોલીસી લીડ રીચાર્ડ ગેલ સાથે એક બેઠકનું આયોજન તા. 17 જુલાઇના રોજ  પાર્લામેન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.

APPGની શ્રેણીબદ્ધ બેઠકોની પ્રથમ બેઠકમાં હીથ્રોથી ગુજરાતની ડાયરેક્ટ ફ્લાઈટ વધારવા તથા ભારત સાથેની કનેક્ટિવિટી વિશે તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ફ્લાઇટની પસંદગીમાં સુધારો કરવા, નિકાસને વેગ આપવા, ખર્ચમાં ઘટાડો કરવા અને ફ્લાઇટ તથા મુસાફરીની ગુણવત્તા વધારવા માટે વધુ પ્રયત્નોની જરૂર છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. આ ચર્ચા દરમિયાન વાયા દિલ્હી અને મુબઇ થઇને અમદાવાદ જતી ફ્લાઇટ ઘણી વખત વધુ ખર્ચાળ અને સમયની બરબાદી કરતી હોવાની રજૂઆત કરાઇ હતી.

હીથ્રો એરપોર્ટ ખાતે પોલીસી લીડ તરીકે સેવા આપતા રિચાર્ડ ગેલે જણાવ્યું હતું કે ‘’કોવિડ પછી 2022માં લંડન હીથ્રો એરપોર્ટથી ભારતનો £6 બિલિયનનો પ્રવાસ થયો હતો અને વધુ વિકસતા ભારતીય બજારને કબજે કરવા માટે અમારા ભારતીય રૂટ નેટવર્કનું વધુ વિસ્તરણ કરવું અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે વિવિધ એરલાઇન્સને ભારત અને ખાસ કરીને ગુજરાત માટેના સ્લોટ્સ આપવા અને કેરિયર્સને આ માટે મદદ કરવા આતુર છીએ.’’

આ ઉપરાંત અન્ય દેશોમાં જતી વખતે યુકે એરપોર્ટનો ઉપયોગ કરતા ભારતીય સહિત અન્ય દેશોના લોકો પાસેથી વસુલવામાં આવતા £35ના ટ્રાન્ઝીટ વિઝા ફીને પગલે મુસાફરી મોંધી થતી હોવાની રજૂઆત કરાઇ હતી.

એમપી શ્રી ગેરેથ થોમસે જણાવ્યું હતું કે ‘’ગુજરાતથી મોટાભાગના લોકો યુકેની આવનજાવન કરે છે અને યુકેમાં વસતા ગુજરાતીઓ પણ વિવિધ કામકાજ કે હોલીડે પર ગુજરાત જઇ રહ્યા છે ત્યારે લંડન હીથ્રોથી ગુજરાતની ડાયરેક્ટ ફ્લાઇટમાં વધારો થાય તે જરૂરી છે. આ ઉપરાંત ગુજરાતમાં રમાનારી મહત્વની ક્રિકેટ મેચો, હોલીડેઝ અને તહેવારોની સિઝન – ડિસેમ્બરથી એપ્રિલ દરમિયાન વિવિઘ એરલાઇન દ્વારા ડાયરેક્ટ ફ્લાઇટ ઉડાવવામાં આવે તે જરૂરી છે. APPG ફોર બ્રિટિશ ગુજરાતીઝ અન્ય એરલાઇન્સ અને બર્મિંગહામ અને માન્ચેસ્ટર સહિતના એરપોર્ટ્સ સાથે પણ આ બાબતે વધુ રાઉન્ડ ટેબલ મીટિંગો યોજશે, જેથી ગુજરાતના અમદાવાદ અને ભારતના અન્ય એરપોર્ટ માટે સસ્તી અને વધુ સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ કરાવી શકાય.’’

શ્રી થોમસે ગેટવીક એરપોર્ટ પર અમદાવાદ જતી ફ્લાઇટ ટ્રાન્સફર કરાઇ તેનો ઉલ્લેખ કરી તે પાછી હીથ્રો પર પરત લાવવા રજૂઆત કરી હતી અને તહેવારોની સિઝનમાં હિથ્રો એરપોર્ટ પર ઓછી કિંમતની એરલાઇન્સને સ્લોટ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

APPGના સેક્રેટરી સંજય જગતિયાએ જણાવ્યું હતું કે ‘’અમને સમગ્ર યુકેમાંથી સંબંધિત ગુજરાતીઓ તરફથી એર ઇન્ડિયા દ્વારા હીથ્રો એરપોર્ટને બદલે ગેટવિક એરપોર્ટ પરથી ઉડાન ભરવા બાબતે લેવાયેલા નિર્ણયને કારણે થતી મુશ્કેલીઓ અંગે ઘણા ઈમેઈલ અને કૉલ્સ આવ્યા છે.’’

હીથ્રો એરપોર્ટના પોલીસી લીડ રિચાર્ડ ગેલે આ રજૂઆતને વિવિધ એરલાઇન્સના વડાઓ સુધી પહોંચાડવાની ખાતરી આપી કહ્યું હતું કે ‘’વિવિધ એરલાઇન્સ સહિત બ્રિટીશ એરવેઝ અને વર્જીન એટલાન્ટિક આ માટે પ્રયત્નો કરી શકે છે. જો કે તેઓ આ માટે રેવન્યુ ડેટા પર મોટો આધાર રાખે છે. આ પહેલા જેટ એરવેઝ ભારત સહિત અમદાવાદની ફ્લાઇટ ઓપરેટ કરતા હતા. જ્યારે ઇન્ડીગો હજુ મોટેભાગે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રન કરે છે. ભારતીય એરલાઇન્સે આપેલા તાજેતરના નવા વિમાનોના ઓર્ડર ધણો ફરક લાવી શકે છે. એર ઇન્ડિયાએ ગેટવિક ખાતે ફ્લાઇટ ઉડાવવાનું નક્કી કર્યું તે પાછળ તેમનો પોતાનો નિર્ણય જવાબદાર છે. મોટે ભાગે દરેક એરલાઇન જે તે ફ્લાઇટ ઓપરેટ કરવા માટે બિઝનેસ ટ્રાવેલ, કારગો અને કનેક્ટીંગ પેસેન્જર્સને લક્ષ્યમાં લેતી હોય છે.’’

તાજેતરમાં જ એર ઇન્ડિયાએ અમદાવાદ સહિત વિવિધ ભારતીય શહેરોની ડાયરેક્ટ ફ્લાઇટ્સને હીથ્રોથી ખસેડીને ગેટવીક પરથી ઉડાવવાનું નક્કી કર્યું તે પાછળ ખર્ચમાં ધટાડો જવાબદાર હોવાનું જણાવાયું હતું.

સ્લાઉના એમપી અને શેડો રેલ મંત્રી તનમનજીત સિધ ઢેસીએ જણાવ્યું હતું કે ‘’આ અગાઉ મેં હીથ્રો એરપોર્ટના ચીફ ઓફ સ્ટાફ નાઇજેલ મિલ્ટનને અમદાવાદ અને અમૃતસરની ડાયરેક્ટ ફ્લાઇટ માટે રજૂઆત કરી હતી. હીથ્રો અન્ય એરલાઇન્સને આ બે કી રૂટ પર વધુ ફ્લાઇટ ઉડાવવા માટે કહી શકે છે. મારા તથા ગેરેથ થોમસ, વિરેન્દ્ર શર્મા, રૂથ કેડબરીના મત વિસ્તાર હંસલો, સ્લાવ, હેરો, ઇલીંગ અને સ્લાવના મોટાભાગના પંજાબી અને ગુજરાતી લોકો ભારત, યુએસ અને કેનેડાની મુસાફરી કરે છે. પણ તાજેતરમાં એર ઇન્ડિયાએ ગેટવીકથી ફ્લાઇટ શરૂ કરતા હજ્જારો મુસાફરોને ત્યાં જવા-આવવાનો મોટો ખર્ચ થાય છે. આ ઉપરાંત અમારા વિસ્તારમાં રહેતા અને હીથ્રો પર કામ કરતા લોકોની નોકરીઓને પણ અસર થાય છે.’’

આ બેઠકમાં બ્રેન્ટફર્ડ અને આઇલવર્થના લેબર સાંસદ રુથ કેડબરી, લેબરના ઈલીંગ સાઉથોલના એમપી વીરેન્દ્ર શર્મા, સ્ટોકપોર્ટના લેબર સાંસદ સભ્ય નવેન્દુ મિશ્રા, એમપી રોબ એઇલ્સબરી, મહેન્દ્ર સિંહ જાડેજા, અજય ચૌરસિયા અને મુના ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

6 + ten =