ભારતમાં ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવાનુ આંદોલન ચાલુ કરીને દિલ્હીના મુખ્યપ્રધાન બનેલા આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાત્રે શરાબ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.
ઇડીએ અગાઉ આ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને આશરે આઠ સમન્સ મોકલ્યા હતાં, પરંતુ કેજરીવાલે તેને ગેરકાનૂની ગણાવીને ફગાવી દીધા હતાં. કેજરીવાલે ધરપકડથી રક્ષણ મેળવવા માટે નીચલી કોર્ટ અને હાઇકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ કોઇ કોર્ટમાંથી તેમને રાહત મળી ન હતી. કેજરીવાલની ધરપકડનો આમ આદમી પાર્ટીના સમર્થકોએ દિલ્હીમાં અને દેશના વિવિધ ભાગોમાં જોરદાર વિરોધ કર્યો હતો, જોકે ભાજપને આ વિરોધને જશ્ને ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટ શુક્રવારે ધરપકડ સામેની કેજરીવાલની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે. બીજી તરફ તપાસ એજન્સી ઇડી મુખ્યપ્રધાનને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગશે.
લોકસભા ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા કેજરીવાલની ધરપકડનો AAPના કાર્યકરોએ વિરોધ કર્યો હતો, વિરોધ
પક્ષોએ પણ તેની આકરી નિંદા કરીને લોકશાહીની હત્યા ગણાવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેજરીવાલના પરિવારની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી.
AAPના નેતાઓ જાહેરાત કરી હતી કે કેજરીવાલ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું નહીં આપે અને જેલમાંથી સરકાર ચલાવશે. કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આનાથી બંધારણીય કટોકટી ઊભી થઈ શકે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગ એંગલની તપાસ કરી રહી છે, ઇડીએ કેજરીવાલને આ કથિત કૌભાંડમાં “ષડયંત્રકાર” ગણાવ્યા હતા.
એજન્સીએ મુખ્યપ્રધાન નિવાસસ્થાને સર્ચકાર્યવાહી કરીને પૂછપરછ બાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ તેમની ધરપકડ કરી અને ED ઓફિસ લઈ ગઈ હતી. કેજરીવાલ અને તેમની પત્નીના ફોન પણ જપ્ત કરાયા હતા. બે ટેબ્લેટ અને એક લેપટોપમાંથી ડેટા ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
દિલ્હીના પ્રધાન આતિશીએ ધરપકડને “ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાવતરું” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે
કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાન બની રહેશે. “અમે શરૂઆતથી જ કહ્યું છે કે જો જરૂર પડશે તો તે જેલમાંથી સરકાર ચલાવશે. તેમને દોષિત ઠેરવવામાં આવ્યા નથી… કોઈ કાયદો તેમને આમ કરવાથી રોકતો નથી.
મધ્યરાત્રિ પછીની પ્રેસ કોન્ફરન્સમાં AAPએ શુક્રવારે બીજેપી વિરુદ્ધ દેશવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું હતું. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બીઆરએસ નેતા અને તેલંગણના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેસીઆરના પુત્રી કે કવિતાની ધરપકડ પછી કેજરીવાલની ધરપકડ થઈ હતી. ઇડીનો આરોપ છે કે શરાબ કંપનીઓને લાભ કરવા માટે કેજરીવાલે નવી શરાબ નીતિ બનાવી હતી અને આ કંપનીઓ પાસેથી રૂ.100 કરોડની લાંચ લીધી હતી. આ કૌભાંડમાં મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિતના AAP નેતાઓ અગાઉથી જેલમાં છે અને તેમને કોર્ટ તરફથી હજુ સુધી કોઇ રાહ મળી નથી.

            












