પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

કેટલાક પાકિસ્તાની, બાંગ્લાદેશી અને શ્યામ વર્ણના લોકો રસીકરણથી દૂર રહેતા હોવાથી દેશમાં મોટા પ્રમાણમાં કોવિડ ચેપ અને મૃત્યુનું જોખમ ડોક્ટર્સ અને નિષ્ણાતો દ્વારા જોવામાં આવી રહ્યું છે.

રોગચાળો જુદા જુદા વંશીય જૂથોને કેવી અસર કરે છે તેના નિષ્ણાત અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના રીસર્ચર ડૉ. નઝરૂલ ઇસ્લામે જણાવ્યું હતું કે યુનિવર્સિટીનું બિગ ડેટા યુનિટ અને ઑફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ પરિસ્થિતિની નજીકથી તપાસ કરી રહ્યા છે. શ્વેત લોકો દ્વારા મોટી માત્રામાં રસી લેવામાં આવી હોવાથી તેમનામાં મૃત્યુની સંખ્યા મોટા પ્રામાણમાં ઘટી છે.

NHSના આંકડા દર્શાવે છે કે 50થી વધુ વયના 93 ટકા લોકોને તેમની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. પરંતુ પાકિસ્તાની, બાંગ્લાદેશી અને શ્યામ વર્ણના લોકોમાં રસી લેવાનું પ્રમાણ ઘણું ઓછું છે

ડૉ. ઇસ્લામે કહ્યું કે ‘’કેટલાક વંશીય સમુદાયોમાં રસીકરણનો દર ઓછો છે. ખાસ કરીને આ જૂથો રોગચાળા દરમિયાન ખૂબ ખરાબ રીતે અસર પામ્યા છે.’’

ફેબ્રુઆરીના મધ્યથી માર્ચના મધ્ય સુધીના ચાર અઠવાડિયામાં કોવિડ મૃત્યુના દરમા શ્વેત લોકોનો દર 76થી 79 ટકા હતો. પરંતુ માર્ચ માસના ત્રીજા અઠવાડિયામાં તે ઘટીને 73 ટકા અને ચોથા અઠવાડિયામાં 70 ટકા થઈ ગયો હતો. ICU સલાહકારે કહ્યું હતું કે ‘વંશીય પેટા જૂથો પર ટિપ્પણી કરવી મુશ્કેલ છે કેમ કે વર્ષના પ્રારંભની તુલનામાં હવે એકંદરે સંખ્યા ઓછી આવી રહી છે તેથી આ અંગે ચોક્કસ બનવું મુશ્કેલ છે.’’