દેશમાં શ્યામ, એશિયન અથવા વંશીય લઘુમતીના લોકોની વસ્તી ભલે 14 ટકા જેટલી જ હોય પરંતુ કસ્ટડીમાં રાખવામાં આવેલા અડધાથી વધુ એટલે કે 51 ટકા યુવાનો BAME સમુદાયના હોવાનું બહાર આવ્યું છે. 2019માં તેમની સંખ્યા 49 ટકા હતી જે 2010માં લગભગ 28 ટકા જેટલી જ હતી. અઠવાડિયા પહેલા ઇક્વાલીટી મિનીસ્ટર લિઝ ટ્રસે યુકેમાં માળખાકીય જાતિવાદના દાવા “પુરાવા વગરના” હોવાનું જણાવ્યા પછી આ આંકડા બહાર આવ્યા છે.

સરકારના વાર્ષિક યુથ જસ્ટીસ સ્ટેટેસ્ટીક્સ સહિતના અન્ય પગલાઓની શ્રેણીમાં વંશીય અસંગતતા વધુ ખરાબ થતી હોવાનું જણાવાઇ રહ્યું છે. શાયમ બાળકોને ચેતવણી કે સજા કરવાના કેસમાં છેલ્લા દસ વર્ષોમાં ડબલ વધારો થયો છે. માર્ચ 2010માં 6 ટકાની તુલનામાં આજે તે દર 12 ટકાનો છે. આજ રીતે મિશ્ર વંશીય પૃષ્ઠભૂમિના બાળકોને માર્ચ 2010માં સજાનો દર 4 ટકા હતો તે દર આજે 9 ટકા જેટલો છે. છેલ્લાં પાંચ વર્ષોમાં શ્યામ બાળકોને દોષીત ગુના માટે સજા કરવાનું પ્રમાણ 14 ટકાથી વધીને 22 ટકા થઈ ગયું છે.

લેબરના શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટિસ, ડેવિડ લેમ્મી, એમપીએ જણાવ્યું હતું કે ‘’આ એક નેશનલ સ્કેન્ડલ છે કે લોકઅપમાં રહેલા અડધાથી વધુ યુવાનો શ્યામ, એશિયન અથવા વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના છે. કન્ઝર્વેટિવ સરકારે તાત્કાલિક લેમ્મી રીવ્યુની ભલામણોને અમલમાં મૂકવાની જરૂર છે. માળખાકીય જાતિવાદની વાસ્તવિકતાને નકારી કાઢવાને બદલે, હવે સમય આવી ગયો છે કે સરકાર બ્લેક લાઇવ્સ મેટરની જેમ કાર્ય કરશે.”