પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને મંગળવાર 23 એપ્રિલ, 2024ના રોજ મોટાભાગના અમેરિકન કામદારો માટે બિનસ્પર્ધાત્મક કરારો (નોનકોમ્પિટ એગ્રીમેન્ટ્સ) ઉપર પ્રતિબંધ મુક્યો હતો. FTCના આ પગલાને કારણે લગભગ 30 મિલિયન જેટલા કર્મચારીઓ જે આવા કરારોથી બંધાયેલા, તેમને જોબ બદલવા કે છોડવાની આઝાદી મળશે. આવા કરારો તેમને સમાન ઉદ્યોગમાં હાલના એમ્પ્લોયરની જોબ છોડી એજ પ્રકારના ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં બીજી જગ્યાએ જતા અટકાવે છે.

એજન્સીએ 3-2થી આ નવા નિયમને બહાલી આપી હતી. મોટાભાગના સભ્યોનું કહેવું હતું કે તેઓએ આ વાતના પુરાવાના ઢગ જોયા છે કે આ કરારોથી કર્મચારીના પગાર દબાય છે, ઉદ્યોગસાહસિકતા અવરોધાય છે અને લેબર માર્કેટનું શોષણ થાય છે. નવા નિયમો મુજબ રોજગારદાતાઓ માટે રોજગાર કરારમાં આવા એગ્રીમેન્ટ્સ સામેલ કરવાનું કૃત્ય હવે ગેરકાયદે બનશે અને આવા કરાર ધરાવતી કંપનીઓએ તેમના કરારબદ્ધ કર્મચારીઓને જણાવવું ફરજીયાત બનશે કે એગ્રીમેન્ટ્સ હવે રદ થઇ ગયા છે.

FTCના આ નિર્ણય પછી હવે અમેરિકનોને નવી નોકરી કરવાની, નવો બિઝનેસ શરૂ કરવાની કે માર્કેટમાં નવો આઇડિયા રજૂ કરવાની આઝાદી મળશે. FTCના વડા લિના એમ. ખાને એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
આ નિયમ 120 દિવસ પછી લાગુ પડશે, જો કે બિઝનેસ ગ્રુપ્સે આ નવા નિર્ણયને કોર્ટમાં પડકારવાનો મક્કમ ઈરાદો દર્શાવ્યો છે. તેમની દલીલ એવી છે કે FTCનો આ નિર્ણય તેના અધિકારક્ષેત્રની બહારનો છે અને તેનાથી કંપનીઓને નુકસાન થશે.

યુએસ ચેમ્બર ઓફ કોમર્સના સીઇઓ સુઝેન પી. ક્લાર્કે એક નિવેદનમાં FTCના નવા નિયમની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે આ નિર્ણય સ્પષ્ટ રીતે સત્તા હડપ કરવાનો પ્રયાસ છે જે અમેરિકન વ્યવસાયોની સ્પર્ધાત્મક ક્ષમતાને નબળી પાડશે.’ ક્લાર્કે વધુમા ઉમેર્યુ હતું કે, ચેમ્બર આ બિનજરૂરી અને ગેરકાયદે નિયમ સામે FTCને કોર્ટમાં ઢસડી જશે.
2021માં એક્ઝિક્યુટીવ ઓર્ડર સ્વરૂપે પ્રેસિડેન્ટ બાઇડેને તેની ભલામણ કરી હતી અને આ નિયમ FTC દ્વારા એન્ટીટ્રસ્ટ એન્ફોર્સમેન્ટની ક્ષિતિજ વિસ્તૃત બનાવવા લેવાયેલું એક મોટું પગલું છે.

નિયમમાં જણાવાયું છે કે તે લાગુ થાય તે પછીથી તમામ કામદારો માટે નવા બિનસ્પર્ધાત્મક કરારો પ્રતિબંધિત થઇ જશે. સિનિયર એક્ઝિક્યુટીવ્સ માટેના કરારો સિવાયના વર્તમાન બિનસ્પર્ધાત્મક કરારો પણ લાગુ નહીં થાય. એફટીસીના અનુસાર આવા સિનિયર એક્ઝીક્યુટીવ્સ માટેના બિનસ્પર્ધાત્મક કરારો કામદારોની તુલનામાં માંડ એક ટકા જેટલા છે.
પ્રેસિડેન્ટ બાઇડેને મંગળવારે આ નવા પગલાની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે કામદારોને કોની સાથે કામ કરવું છે તેની પસંદગીનો અધિકાર મળવો જ જોઇએ.

એફટીસીના કમિશનર્સે મંગળવારે નિયમ મુદ્દે મતદાન કર્યુ હતું અને તેમણે કેટલાક આંકડા ટાંક્યા હતા જે દર્શાવે છે કે 30 મિલિયન અમેરિકન કામદારો હાલ આવા બિનસ્પર્ધાત્મક કરારોથી બંધાયેલા છે. શ્રમ વિભાગ દ્વારા જૂન 2022માં પ્રસિદ્ધ કરાયેલા અભ્યાસ અનુસાર અંદાજે 18 ટકા અમેરિકનો આવા બિનસ્પર્ધાત્મક કરારોથી બંધાયેલા છે જ્યારે અન્ય રીસર્ચના તારણો મુજબ આવા બંધાયેલા અમેરિકનોની સંખ્યા 50 ટકા જેટલી છે.

આવા કરારો ટેક્નોલોજી, હેરસ્ટાઇલિંગ, મેડીસિન અને ડાન્સ ઇન્સ્ટ્રક્શન સહિત વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે અને તેના અન્વયે ઉચ્ચ તેમજ નીચલા સ્તરનો પગાર કમાતા લોકો પર નિયંત્રણો આવે છે. એફટીસીના અંદાજ અનુસાર આ કરારો પ્રતિબંધિત થવાથી વર્ષે 300 અબજ ડૉલરનો પગાર વધી શકે છે.

LEAVE A REPLY

twelve − twelve =