રાહુલ ગાંધીના વડપણ હેઠળની કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે સાંજે મધ્યપ્રદેશમાંથી રાજસ્થાનમાં પ્રવેશી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત જોડો યાત્રા 5 ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશી ત્યારે : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા મધ્ય પ્રદેશના પક્ષ પ્રમુખ કમલનાથે ઝાલાવાડમાં પાર્ટીની જાહેર સભામાં ડાન્સ કર્યો હતો. (ANI Photo)

રાહુલ ગાંધીના વડપણ હેઠળની કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે સાંજે મધ્યપ્રદેશમાંથી રાજસ્થાનમાં પ્રવેશી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા, પૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન સચિન પાયલોટ સહિત અનેક પ્રધાનો અને સરકારના મોટા નેતાઓએ મધ્યપ્રદેશ બોર્ડર પર સ્થિત ઝાલાવાડમાં ચણવલી ચોક પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.

સ્વાગત સભામાં રાહુલ ગાંધીનું સહરિયા ડાન્સથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર થતો આ ડાન્સ જોઈને રાહુલ ગાંધી પણ અશોક ગેહલોત, કમલનાથ અને સચિન પાયલટ સાથે ડાન્સ કરવા લાગ્યા હતા આ દરમિયાન સચિન પાયલટ અને અશોક ગેહલોતે એકબીજાનો હાથ પકડીને ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે કલાકારોએ પ્રખ્યાત ‘પધારો મ્હારે દેશ’ સહિતના લોકનૃત્યો અને ગીતો રજૂ કર્યા હતા. આજે રાજસ્થાનમાં યાત્રા ચણવલી ચાર રસ્તા પર જ રોકાશે. રાત્રિનો આરામ અહીં જ થશે.

રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે તેઓ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન ઘણું શીખી રહ્યા છે. તેમના દિલમાં બીજેપી અને આરએસએસ પ્રત્યે કોઈ નફરત નથી, પરંતુ તેઓ તેમને દેશમાં નફરત ફેલાવવા દેશે નહીં.

તેમણે કહ્યું હતું કે તેઓ પદયાત્રામાંથી ઘણું શીખી રહ્યા છે. આ વસ્તુઓ એરોપ્લેન, હેલિકોપ્ટર અથવા વાહનમાં મુસાફરી કરતી વખતે સમજી શકાતી નથી. ખેડૂતો સાથે હાથ મિલાવ્યા પછી જ સમજાય છે કે તેઓ શું કરી રહ્યા છે. આ હેલિકોપ્ટરમાંથી શીખી શકાય નહીં. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે આ સરકારથી માત્ર ત્રણ-ચાર ઉદ્યોગપતિઓને જ ફાયદો થઈ રહ્યો છે, જે દેશના હિતમાં નથી.

સ્વાગત સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક રાજ્ય, દરેક શહેર, દરેક ગામોએ યાત્રાને ખૂબ મદદ કરી છે. લોકોએ એક પૈસો પણ ચૂકવવો પડતો ન હતો, લોકોએ તે લેવાની ના પાડી. ભારતની જનતાએ આ યાત્રાને ભરપૂર પ્રેમ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મધ્યપ્રદેશ છોડીને દુઃખી છે, પરંતુ રાજસ્થાન આવીને ખુશ છે.

LEAVE A REPLY