FILE PHOTO REUTERS/Evelyn Hockstein

ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ પર ભારે ટેરિફ લાદતા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે તેનાથી અમેરિકાના વર્કર્સને અન્યાયી વેપાર પ્રથાથી રક્ષણ મળશે. અમેરિકાએ ચીનના ઇલેક્ટ્રિકલ વ્હિકલ પર 100 ટકા, સેમિકન્ડક્ટર પર 50 ટકા અને ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી પર 25 ટકા ટેરિફ લાદી છે.

વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી રાષ્ટ્રને સંબોધનમાં બાઇડને જણાવ્યું હતું કે અમેરિકનો તેઓ ઇચ્છે તે પ્રકારની કાર ખરીદી શકે છે, પરંતુ અમે ક્યારેય કારોના બજારને અન્યાયી રીતે નિયંત્રિત કરવાની ચીનને મંજૂરી આપીશું નહીં. હું ચીન સાથે વાજબી સ્પર્ધા ઈચ્છું છું, સંઘર્ષ નહીં. અમે ચીન સામે 21મી સદીની આર્થિક સ્પર્ધા જીતવા માટે અન્ય કોઈ દેશ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છીએ, કારણ કે અમે ફરીથી અમેરિકામાં રોકાણ કરી રહ્યા છીએ

બાઇડને આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી ચીની સરકારે સ્ટીલ અને એલ્યુમિનિયમ, સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ્સ તથા ગ્લવ્ઝ અને માસ્ક જેવા જટિલ આરોગ્ય સાધનો સહિતના ઉદ્યોગોની કંપનીમાં જંગી નાણા ઠાલવ્યાં છે. ચીને આ તમામ પ્રોડક્ટ્સને ભારે સબસિડી આપે છે અને ચીની કંપનીઓ પર વધુ ઉત્પાદન કરવા દબાણ કરે છે. આ પછી અયોગ્ય રીતે નીચા ભાવે વધારાની પ્રોડક્ટ્સ અન્ય દેશોના બજારમાં ડમ્પ કરે છે તથા વિશ્વભરના અન્ય ઉત્પાદકોને બિઝનેસમાં બહાર કરે છે.

બાઇડને જણાવ્યું હતું કે ચીની પ્રોડક્ટ્સના ભાવ ખૂબ જ નીચા હોય છે, કારણ કે ચીની સરકાર કંપનીઓને જંગી સબસિડી આપે છે. કિંમતો અયોગ્ય રીતે ઓછી છે કારણ કે ચીની કંપનીઓને નફા વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ચીનની સરકારે તેમને સબસિડી આપી હતી અને તેમને ભારે સબસિડી આપી હતી. ચીની સરકાર ટેકનોલોજીના ચીનમાં ટ્રાન્સફર જેવી  અન્ય સ્પર્ધા વિરોધી યુક્તિઓનો પણ આશ્રય લે છે,

તેમણે કહ્યું હતું કે અમેરિકન કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો અને તેમની બેટરીમાં અબજો ડોલરનું રોકાણ કરી રહી છે. “વિશ્વભરના અમારા ભાગીદારો સમાન રોકાણ કરી રહ્યા છે. તેઓ ઇલેક્ટ્રિક વાહનો માટે એવી સપ્લાય ચેઇન પણ ઇચ્છે છે જેમાં ચીનની અન્યાયી વેપાર પ્રથાઓનું પ્રભુત્વ ન હોય.

પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં બાઇડને જણાવ્યું હતું કે “મારા પુરોગામીએ અમેરિકન નિકાસ વધારવા અને ઉત્પાદનને વેગ આપવાનું વચન આપ્યું હતું. પરંતુ તેમણે આવું કર્યું ન હતું. તેઓ નિષ્ફળ ગયા હતા. તેમણે ચીન સાથે વેપાર કરાર કર્યો હતો. તેઓ વધુ 200 બિલિયન ડોલરનો અમેરિકન સામાન ખરીદવાના હતા. તેના બદલે અમેરિકાથી ચીનની આયાતમાં ભાગ્યે જ ઘટાડો થયો છે.

 

LEAVE A REPLY

15 − fourteen =