Amit Shah
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (PTI Photo)

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ પુરુ થવાના પ્રસંગે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેના એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે રાજ્યમાં ભાજપ 2/3 બહુમતિથી ફરી સરકાર બનાવશે. તેમણે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રશંસા પણ કરી હતી.

આમ આદમી પાર્ટી પર પરોક્ષ પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યની જનતાએ કેટલીક પાર્ટીઓના ખોટા વચનોથી પ્રભાવિત થવું જોઇએ નહીં અને ભાજપના વિકાસના આધારે મત આપવો જોઇએ. મફતની ઘોષણાઓની જનતા પર કોઈ અસર નહીં થશે. અમિત શાહે સપનાના વેપાર કરનારાને સફળતા નહીં મળે એમ કહી કેજરીવાલ પર પ્રહાર કર્યો હતો.

અમિત શાહે વર્ચ્યુઅલી સંબોધનમાં ગુજરાતની ભાજપ સરકારનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે સીએમ તરીકે જાહેર થયા ત્યારે તેમની સામે મીડિયા દ્વારા સવાલ ઊભા કરાયા હતા, પરંતુ તેમણે સાબિત કર્યું છે કે બોલ્યા વગર પણ કામગીરી કરી શકાય છે. ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત બની છે તેમજ ગુજરાત સરકારે સૌથી વધુ નશાનો કારોબાર ઝડપ્યો છે, જે માટે હું અભિનંદન આપું છું.

અગાઉની કોંગ્રેસ સરકારની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં તોફાનો, બોમ્બ ધડાકા અને કર્ફ્યુ જોવા મળતો હતો, પરંતુ ભાજપના શાસનમાં આ તમામ ઘટનાઓ ગુમ થઈ ગઈ છે.કેન્દ્રીય ગૃહપ્રધાને રૂ.10 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો. સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના કાલુપુર સ્ટેશનને 709 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર સ્ટેશન બનાવાશે.

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગુજરાતના વિકાસને ગતિ આપી છે. ગુજરાતે પાણી, વીજળી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ, ઉદ્યોગ, સીધું વિદેશી મૂડીરોકાણ, ઉત્પાદન, પશુપાલન અને લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો જેવા દરેક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ધોલેરા સર, ડાયમંડ સિટી, ગિફ્ટ સિટીનો ગુજરાતમાં ઝડપથી વિકાસ થયો છે અને ગુજરાતની મહિલાઓ અને પુરુષોને તમામ સામાજિક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે.

LEAVE A REPLY

5 × 2 =