બોરિસ જોન્સન - Dan Kitwood/Pool via REUTERS

વડા પ્રધાન બોરિસ જૉન્સને તા. 27 જાન્યુઆરીથી ઘરેથી કામ કરવા અંગેના માર્ગદર્શન, ફેસ માસ્ક પહેરવાનો કાનૂની આદેશ અને વેક્સીન અને ટેસ્ટ આધારિત ફરજિયાત સર્ટિફીકેટ્સને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જો કે જો કે, સંસ્થાઓ સ્વેચ્છાએ NHS કોવિડ પાસનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. સરકારે એમ્પલોયર્સને કામ પર સલામત રીતે પાછા ફરવા માટે પૂરતી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

કોવિડ-19 પર હાઉસ ઓફ કોમન્સમાં નિવેદન આપતાં વડા પ્રધાન બોરિસ જૉન્સને જણાવ્યું હતું કે ‘’અસાધારણ બૂસ્ટર અભિયાનને કારણે ઈંગ્લેન્ડમાં ચેપનું સ્તર ઘટી રહ્યું છે. દેશમાં 36 મિલિયનથી વધુ કોવિડ-19 બૂસ્ટર જૅબ્સ આપવામાં આવ્યા હતા, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના 90 ટકાને હવે ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે ઓમિક્રોન તરંગ હવે રાષ્ટ્રીય સ્તરે ટોચ પર પહોંચી ગયો છે. પરંતુ રોગચાળો હજૂ સમાપ્ત થયો નથી. હું દેશભરના દરેકને તમામ સાવચેતીભર્યું વર્તન ચાલુ રાખવા માટે વિનંતી કરૂ છું.”

હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી સાજિદ જાવિદે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે પ્લાન Bની જાહેરાતથી, 15 મિલિયન લોકો તેમનું બૂસ્ટર મેળવવા માટે આગળ વધ્યા છે. જે રીતે આપણે ફ્લૂ સાથે જીવતા શીખ્યા છીએ તે જ રીતે આપણે કોવિડ સાથે જીવતા શીખવું પડશે. સરકાર આ વસંતઋતુમાં વાઇરસ સાથે જીવવા માટે લાંબા ગાળાની યોજના બનાવનાર છે. હું દરેકને વિનંતી કરીશ કે તેઓ વાઇરસને દૂર રાખવા હાથ ધોવાનું, તાજી હવામાં જવાનું અને ટેસ્ટીંગ કરાવવાનું અને જો તમે પોઝિટિવ હો તો સેલ્ફ આઇસોલેટ થવાનું ચાલુ રાખે.  સોથી શ્રેષ્ઠ પગલું રસી લેવાનું છે.’’

નેશનલ ફાર્મસી એસોસિએશન (NPA)ના અધ્યક્ષ એન્ડ્રુ લેને કહ્યું હતું કે “અમે યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના માર્ગદર્શનને અનુરૂપ લોકોને ફાર્મસીઓમાં માસ્ક પહેરવા વિનંતી કરવાનું ચાલુ રાખીએ છીએ.”