Bubble Wrap painting

બ્રિટન અને ભારતના યુવાનોએ લંડનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય રીતે દર્શાવતું 16.01 ચોરસ મીટર (172.33 ચોરસ ફૂટ)નું વિશ્વનું સૌથી મોટુ બબલ રેપ પેઇન્ટિંગ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે. રજીસ્ટર્ડ ચેરિટીઓ દ્વારા ભારતમાં કોવિડ-અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે “આગામી પેઢી”ને પ્રેરણા આપવાનો હેતુ ધરાવે છે. તેમની ટીમ ભારતમાં પીએમ કેર્સ ફંડમાં પણ દાન આપવા ઈચ્છે છે.

યુવા નેતા અને સામાજિક કાર્યકર નચિકેત જોશીને આ આર્ટવર્કનો વિચાર આવ્યો હતો. ક્રિએટીવ આર્ટ કેમ્પસના કલાકારોની ટીમનું નેતૃત્વ જીજ્ઞેશ પટેલ, અક્ષય પંડ્યા અને યશ પટેલે કર્યું હતું અને ખુશ્બુ શાહે સંકલન કર્યું હતું.

આ ટીમે લંડનમાં 45 સ્વયંસેવકો સાથે પેઈન્ટિંગને પૂર્ણ કર્યા બાદ ગયા વર્ષે જૂનમાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આર્ટવર્કને પૂર્ણ કરવામાં ટીમને ચાર મહિના લાગ્યા હતા અને તે 27 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયું હતું.

નચિકેત જોશીએ કહ્યું હતું કે “અમે વિશ્વ વિક્રમ હાંસલ કરી અભિભૂત થયા છીએ. મોદી વૈશ્વિક નેતા છે અને તેમણે લગભગ 100 દેશોને રસી બનાવવામાં મદદ કરી છે. તેઓ ભારતમાં વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપી રસીકરણ ઝુંબેશ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. તેમણે વિશ્વ માટે જે કર્યું છે તેના માટે તેમના પ્રતિ આદર બતાવવાની આ અમારી રીત છે.”

આ આર્ટવર્કમાં દર્શાવવામાં આવેલી અન્ય હસ્તીઓ ઉદ્યોગપતિ રતન ટાટા, બિલ ગેટ્સ, લેખીકા જેકે રોલિંગ છે. જેઓ બધા પરોપકાર માટે જાણીતા છે.

ટીમ મોદીને આ પેઇન્ટિંગ ગિફ્ટ કરવા માંગે છે. આ પેઇન્ટિંગ માટે લંડનમાં અલગ-અલગ સ્થળોએ કામ કરવામાં આવ્યું છે અને સમુદાયના ઘણા સભ્યોએ બબલરેપના પરપોટામાં ઇન્જેક્શનથી કલર ભર્યો હતો.

સિંઘાનિયા એન્ડ કંપનીના વરિષ્ઠ ભાગીદાર અને ઈન્ડો-યુરોપિયન બિઝનેસ ફોરમના અધ્યક્ષ વિજય ગોયલ યુકેમાં આર્ટ પ્રોજેક્ટને સમર્થન આપી રહ્યા છે.

અક્ષય પંડ્યાએ જણાવ્યું હતું કે “મારા ગુરુ, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ, તેમના જીવનના સૂત્રથી જીવ્યા હતા. બીજાના આનંદમાં, આપણું પોતાનું છે. આ ભાવના અને આ મૂલ્યોએ અમને આ પ્રોજેક્ટ શરૂ કરવા પ્રેરિત કર્યા હતા.”