(Credit: Wikimedia Commons)

યુગાન્ડાના એશિયનોની હકાલપટ્ટી અને યુકેમાં આગમનના 50 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે લેસ્ટરમાં એક આકર્ષક પ્રદર્શનના આયોજન માટે નેશનલ લોટરી હેરિટેજ ફંડ તરફથી £102,416.00ના ભંડોળની ફાળવણી લેસ્ટરની નવરંગ સંસ્થાને કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે લેસ્ટર સિટી કાઉન્સિલના મ્યુઝિયમ્સ એન્ડ ગેલેરી સર્વિસીસ તરફથી £10,000નું અનુદાન આપવામાં આવ્યું છે.

લેસ્ટર સ્થિત આર્ટ સંસ્થા નવરંગના અસંખ્ય આર્ટ્સ અને હેરિટેજ પ્રોજેક્ટ્સમાં લેસ્ટરમાં યુગાન્ડાના એશિયનોના 40 વર્ષ પૂરા કર્યા તે પ્રસંગે યોજાયેલા ‘કમ્પાલાથી લેસ્ટર એક્ઝિબિશન’નો સમાવેશ પણ થાય છે.  આ પ્રોજેક્ટ આ વર્ષગાંઠને લેસ્ટર મ્યુઝિયમ અને આર્ટસ ગેલેરીમાં એક મુખ્ય પ્રદર્શન, ચાર્નવુડ મ્યુઝિયમ ખાતે વધુ એક પ્રદર્શન અને ત્રણ નાના ટ્રાવેલીંગ એક્ઝીબીશન સાથે ચિહ્નિત કરશે, જે શહેર અને કાઉન્ટીની મુલાકાત લેશે. આ પ્રદર્શન યુગાન્ડાથી આવેલા લોકોની વાતો જણાવશે તથા ત્રીજી અને ચોથી પેઢીના પરિવારો સાથેની ઓળખનું અન્વેષણ કરશે.

તે એવી વાર્તાઓની સમીક્ષા કરશે અને કહેશે જે અગાઉના પ્રદર્શનમાં કહેવામાં આવી ન હોય. આ પ્રદર્શન એક સમુદાયની અદ્ભુત વાર્તા કહેશે જે ફક્ત 90 દિવસની નોટિસ સાથે વિસ્થાપિત થઈ ગયું હતું. યુગાન્ડામાં એશિયનોની વસાહત શા માટે થઈ હતી તેનાથી શરૂ કરીને તેઓ યુકેમાં જવાની વર્તમાન દિવસની અસર વિષે માહિતી આપશે. પ્રદર્શનોની સાથે, શહેર અને કાઉન્ટીની શાળાઓમાં કાર્યક્રમો, પ્રવચનો અને પ્રવૃત્તિ થશે.

નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીના પ્રોફેસર ગ્રેહામ બ્લેક નવરંગની સાથે આ એક્ઝિબિશનનું ક્યુરેટીંગ કરશે. નવરંગ આ પ્રદર્શનો આપવા માટે લેસ્ટર મ્યુઝિયમ એન્ડ ગેલેરી અને લેસ્ટરશાયર મ્યુઝિયમ સાથે ભાગીદારીમાં કામ કરશે. અન્ય ભાગીદારોમાં લેસ્ટર યુનિવર્સિટી, બીબીસી રેડિયો લેસ્ટર, ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી, ફોકસ, વિવિધ સમુદાય જૂથો અને શાળાઓનો સમાવેશ થાય છે.

નવરંગના નિશા પોપટે જણાવ્યું હતું કે “પ્રોજેક્ટ યુગાન્ડાના એશિયનોની ભાવનાત્મક અને પ્રેરણાદાયી વાર્તા, સામ્રાજ્ય સાથેની લિંક્સ અને આ સમુદાયે તેમના ઘર બનાવનાર શહેર પર જે અસર કરી છે તેની શોધ કરશે.”

અમે યુગાન્ડાના એશિયનો અને તેમના બાળકો અને પૌત્ર-પૌત્રીઓ કે જેઓ 1972માં સ્થળાંતર થયા હતા તેમજ તેમના આગમનનો અનુભવ કરનારા લોકો પાસેથી યોગદાન માંગી રહ્યા છીએ. સ્વયંસેવકો માટે અક્ઝીબીશન ડેવલપમેન્ટ, ઇવેન્ટ્સ, લર્નિંગ પ્રોગ્રામ, માર્કેટિંગ અને વિવિધ ક્ષેત્રોમાં સામેલ થવાની તકો છે. પ્રોજેક્ટ/સ્વૈચ્છિક સેવામાં સામેલ થવા સંપર્ક કરો: રંજન સૌજાની – ઇમેઇલ [email protected]