REUTERS/Kamil Krzaczynski/File Photo

અમેરિકાની વિમાન ઉત્પાદક કંપની બોઇંગે અમેરિકામાં વિમાન દુર્ઘટના બાદ દુનિયાભરમાં તેના કુલ 128 ટ્રિપલ સેવન વિમાનોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. શનિવારે અમેરિકામાં 231 મુસાફરો સાથેના વિમાનના એન્જિનમાં ખામી બાદ તેને ડેનવર એરપોર્ટ પર પરત લઈ જવાની ફરજ પડી હતી. આ દુર્ઘટનામાં કોઇને ઇજા થઈ ન હતી.

આ અકસ્માત બાદ યુનાઇટેડ એરલાઇન્સ અને જાપાનની બે મુખ્ય એરલાઇન્સે 62 વિમાનનો ઉપયોગ બંધ કર્યો હતો. કોરિયન એરે પણ જણાવ્યું હતું કે તે છ વિમાનોનો ઉપયોગ કરશે નહીં.

બોઇંગે જણાવ્યું હતું કે એકસમાન એન્જિન ધરાવતા કુલ 128 વિમાનોનો ઉપયોગ ન કરવો જોઇએ. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનાની તપાસ ચાલુ છે, પરંતુ અમે પ્રેટ એન્ડ વ્હિટની 4000-112 એન્જિન સંચાલિત સર્વિસમાં રહેલા 69 અને સ્ટોરેજમાં રહેલા 59 વિમાનોનો ઉપયોગ ન કરવાની સલાહ આપીએ છીએ.
એન્જિન કંપની પ્રેટ એન્ડ વ્હિટનીએ જણાવ્યું હતું કે તપાસકર્તાને સહયોગ આપવા તેને એક ટીમ મોકલી છે. ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા અનુસાર યુનાઇટે 777 મોડલનો ઉપયોગ કરતી એકમાત્ર અમેરિકી એરલાઇન છે. આ ઉપરાંત જાપાન અને સાઉથ કોરિયા આ વિમાનોનો ઉપયોગ કરે છે.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના પ્રારંભિક તારણો મુજબ ડેનવેર વિમાનમાં મોટાભાગનું નુકસાન જમણા એન્જિનમાં થયું હતું. તેની બે ફેન બ્લેડ તૂટી ગઈ હતી અને બીજી બ્લેડને પણ નુકસાન થયું હતું. વિમાનની મુખ્ય બોડી જોરદાર ધ્રુજવા લાગી હતી.