જ્હોન્સનની પ્રતિક તસવીર (Photo by Ben PruchnieGetty Images)

બિઝનેસ લીડર્સે બ્રેક્ઝિટ ડીલ જરૂરી હોવાની વડાપ્રધાનને ચેતવણી આપતાં જણાવ્યું છે કે કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે બ્રિટનની આર્થિક રીકવરીને સુરક્ષિત રાખવા અને બ્રિટિશ ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે બ્રેક્ઝિટ  ડીલ સુરક્ષિત કરવુ જરૂરી છે. વડા પ્રધાન બોરીસ જ્હોન્સન આ અગાઉ જણાવી ચૂક્યા છે કે બ્રિટન માટે કોઈ સોદો નહિં હોય તો તે “સારુ પરિણામ” હશે. વડા પ્રધાને યુરોપિયન યુનિયન સાથે બ્રેક્ઝિટ પછીની વેપાર સમજૂતી માટે 15 ઓક્ટોબરની શનિવારે મહેતલ આપી હતી. તેનાથી વેપાર સમજૂતી વગર બ્રિટન યુરોપિયન યુનિયનથી છૂટું પડશે તો અરાજકતા ઊભી થશે તેવી ચિંતા હળવી થઈ છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે આ સપ્તાહે આઠમાં રાઉન્ડની મંત્રણા ફરી ચાલુ થઈ હતી. એકબીજા પર મક્કમ વલણ જાળવી રાખવાના આક્ષેપ વચ્ચે બંને પક્ષોએ પોતાના વલણને વધુ આકરું બનાવ્યું હતું. એક વર્તમાનપત્રને રવિવારે આપેલા ઇન્ટરવ્યૂમાં બ્રિટનના મુખ્ય નેગોશીએટર ડેવિડ ફ્રોસ્ટે ડીલની સફળતા અંગે કોઇ આશા જગાવી ન હતી અને કોઇ સમાધાન ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બીજી તરફ યુરોપિયન યુનિયનના મુખ્ય નેગોશીએટર માઇકલ બર્નિયરે આ સપ્તાહે જણાવ્યું હતું કે બ્રિટનના ફિશિંગ વોટર અને સ્ટેટ એઇડ રૂલને યુરોપ માટે ઉપલબ્ધ કરવા અંગે મંત્રણા ચાલુ છે, પરંતુ બ્રિટન કોઇ બાંધછોડ માટે તૈયાર નથી. યુરોપિયન યુનિયને અગાઉ સંકેત આપ્યો હતો કે સમજૂતી માટે મધ્ય ઓક્ટોબર સુધીનો સમય છે, કારણ કે સમજૂતીના ભાષાંતર કરવાની તથા તેને  યુરોપિયન સંસદની મંજૂરીની જરૂર પડશે.

આ મહેતલને પુષ્ટી આપવાનો કેટલાંક મહિના સુધી ઇનકાર કર્યા બાદ જ્હોન્સન તે માટે સંમત થયા છે. વડાપ્રધાન કાર્યાલયની નોંધમાં તેમણે જણાવ્યું હતું કે જો સમજૂતીનો આ વર્ષના અંત સુધીમાં અમલ કરવો હશે તો 15 ઓક્ટોબરે યુરોપિયન કાઉન્સિલની બેઠક સુધીમાં યુરોપિયન મિત્રો સાથે સમજૂતીની જરૂરિયાત છે. તેથી આ મહેતલ પછીના સમયગાળાની વિચારણા કરવાનો કોઇ અર્થ નથી. જો આપણે આ સમયગાળા સુધી સંમત ન થઈ શકીએ તો બંને વચ્ચે મુક્ત વેપાર સમજૂતી થઈ શકશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્રિટને યુરોપિયન યુનિયન સાથે ઓસ્ટ્રેલિયન સ્ટાઇલની અથવા કેનેડા અને બીજા દેશો વચ્ચેની સમજૂતી જેવી સમજૂતી કરવી પડશે. ઓસ્ટ્રેલિયા વિશ્વ વેપાર સંગઠનના નિયમો અને ટેરિફ હેઠળ યુરોપ સાથે વેપાર કરે છે. જોકે જોહનસને જણાવ્યું હતું કે તે બ્રિટન માટે સારો નિષ્કર્ષ હશે. બ્રિટનની સરકારે અગાઉ જણાવ્યું હતું કે તે ઝીરો ટેરિફ, ઝીરો ક્વોટા સમજૂતી ઇચ્છે છે. બ્રિટને 31 જાન્યુઆરીએ 27 સભ્યોના યુરોપિયન યુનિયનમાંથી વિધિવત એક્ઝિટ લીધી હતી. થેરેસા મે પછી સત્તામાં આવેલા જોહનસન સંસદમાં બ્રેક્ઝિટ ડીલને મંજૂર કરાવવામાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.

બંને પક્ષકારો વચ્ચે ફિશિંગના હકો અને વાજબી સ્પર્ધાના નિયમો અંગે વિવાદને કારણે મંત્રણા અટવાઈ પડી છે. જોહનસને આ મહિને સમજૂતીનો સંપૂર્ણ ઇનકાર કર્યો ન હતો અને તે માટે સંપૂર્ણ પ્રયાસો કરવાનું વચન આપ્યું હતું.

યુરોપિયન યુનિયન સાથેના વિથડ્રોઅલ કરાર પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને નુકસાન પહોંચાડી શકે તેવી યોજનાઓની પુષ્ટિ કર્યા પછી બિઝનેસ ગૃપોએ કહ્યું છે કે આ અઠવાડિયે વાટાઘાટમાં સમાધાન કરવામાં નિષ્ફળતા મળશે તો બ્રિટનની નાજુક આર્થિક હાલતને ભારે નુકસાન થશે.

બિઝનેસ લોબી ગૃપ સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જોશ હાર્ડીએ જણાવ્યું હતું કે“એક સારો સોદો જરૂરી છે. એક સમજૂતી આખા ખંડમાં કોવિડ પછીની રીકવરીનો પાયો હશે. સોદો મેળવવા માટે રાજકીય નેતૃત્વ અને બંને તરફથી સમાધાનની જરૂર છે.”

લંડન અને બ્રસેલ્સ વચ્ચેના તાણયુક્ત સપ્તાહની શરૂઆતમાં, યુકે સરકારે જાન્યુઆરીમાં સાઇન થયેલા ઇયુ વિથડ્રોઅલ કરારમાં પીછેહઠ કરી શકે તેવા અહેવાલોના કારણે આંતરરાષ્ટ્રીય મુદ્રા બજારોમાં પાઉન્ડની ગરબડી થઈ હતી.