ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કોરોનાવાઇરસ લોકડાઉન નિયમોના ભંગની નિંદા કરતા તપાસના અહેવાલ પછી વડા પ્રધાન બોરિસ જૉન્સને બુધવારે તા. 25ના રોજ પાર્લામેન્ટમાં પાર્ટીગેટ માટે બીજી વખત માફી માંગી હતી. સિનિયર સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેના તપાસ અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે યુકેની સરકારી કચેરીઓમાં નિયમ તોડવાની સંસ્કૃતિ પાછળ “નેતૃત્વની નિષ્ફળતાઓ” જવાબદાર હતી. વિપક્ષોએ વડા પ્રધાન બોરિસ જૉન્સનના રાજીનામાની માંગણી કરી હતી.

સ્યુ ગ્રેના અહેવાલમા તારણો પ્રકાશિત થયા પછી તરત જ હાઉસ ઓફ કોમન્સમાં અને તે પછી ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા બોરિસ જૉન્સને કહ્યું હતું કે ‘’જે કંઈ બન્યું તેની સંપૂર્ણ જવાબદારી લઉં છું અને ડાઉનીંગ સ્ટ્રીટનું તમામ વરિષ્ઠ મેનેજમેન્ટ બદલાઈ ગયું છે.

વિપક્ષી બેન્ચના ઠઠ્ઠા અને બૂમો વચ્ચે, વડા પ્રધાને પાર્લામેન્ટમાં સંસદસભ્યોને ભારપૂર્વક જણાવ્યું હતું કે “મારા નિવેદનનો ઉદ્દેશ્ય સંદર્ભ નક્કી કરવાનો છે, જે બન્યું તેને ઘટાડવા અથવા બહાનું કરવા માટે નહીં. હું નમ્ર છું અને મેં એક પાઠ શીખ્યો છે… હું સૌથી ઉપર એ પણ કહેવા માંગુ છું કે મારી નજર સામે જે કંઈ પણ થયું તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. આ મુશ્કેલ સમયગાળા દરમિયાન નંબર ટેન (ડાઉનીંગ સ્ટ્રીટ), કેબિનેટ ઑફિસ અને મારું પોતાનું, હું માનવાનું ચાલુ રાખું છું કે સિવિલ સર્વન્ટ્સ અને સલાહકારો… સારા, મહેનતુ, પ્રેરિત લોકો છે… આપણા દેશ માટે શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પ્રેરિત છે.”

જૉન્સને ફેરવેલ ડ્રીંક્સની પાર્ટીના સંદર્ભમાં સમજાવ્યું હતું કે તેમણે “નેતૃત્વ”ના મુખ્ય ભાગ તરીકે સ્ટાફની પ્રશંસા કરવા અને મુશ્કેલ સમય દરમિયાન તેમના મનોબળને ઉંચુ રાખવા માટે થોડાક સમય માટે મિલનમાં હાજરી આપવાનું સ્વીકાર્યું હતું. આ મિલન પછી સુરક્ષા અને સફાઈ કર્મચારીઓને કેટલીક ગેરવર્તણૂકનો ભોગ બનવું પડ્યું તે જાણીને મને આઘાત લાગ્યો હતો.  મને તે પછીની કાર્યવાહીની કોઈ જાણકારી નહોતી કારણ કે હું ત્યાં ન હતો.’’

સફાઈ અને સુરક્ષા કર્મચારીઓ પ્રત્યે નશામાં ધૂત કેટલાક અધિકારીઓ દ્વારા “અસ્વીકાર્ય” વર્તનનો સામનો કરવા માટે તેઓ શું પગલાં લઈ રહ્યા છે તેવા પત્રકારોના પ્રશ્નના જવાબમાં જૉન્સને કહ્યું હતું કે “મને લાગે છે કે લોકો સખત મહેનત કરતા કર્મચારીઓ સાથે અસંસ્કારી વર્તન કરે તે તદ્દન અસહ્ય છે અને ઓછામાં ઓછું તેમણે માફી માંગવી જોઈએ. મારી પાસે હજુ સુધી જવાબદાર લોકોના નામ આવ્યા નથી. આ બિઝનેસમાં છે તે દરેક વ્યક્તિએ શીખવું પડશે. હું આ ગૃહમાં સંપૂર્ણ ઇમાનદારી સાથે આવ્યો છું. નિયમો અને માર્ગદર્શનનું દરેક સમયે પાલન કરવામાં આવ્યું હતું. જે હતું તેને હું સુધારવા માંગુ છું.’’

લેબર લીડર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’ગ્રેના અહેવાલથી સરકાર માટે આ ગૃહમાં વડા પ્રધાનના શબ્દોનો બચાવ કરવાનું અશક્ય બન્યું છે. આ વિશ્વાસનો પ્રશ્ન છે.’’

ગ્રેના નિંદાકારક અહેવાલમાં જાહેર કરવામાં આવ્યું છે કે ‘’જે વર્તન નક્કી કર્યું છે તેના માટે કોઈ બહાનું ચાલી શકે નહિં. તે સ્વીકારવું અગત્યનું છે કે સૌથી વધુ જુનિયર હોદ્દા પરના લોકો તે મિલનમાં હાજરી આપી હતી જેમાં તેમના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા, અથવા તેમણે પાર્ટી યોજી હતી. મેં જે ઘટનાઓની તપાસ કરી હતી તેમાં સરકારના નેતાઓએ હાજરી આપી હતી. આમાંના ઘણા કાર્યક્રમો માટે મંજૂરી આપી શકાય તેમ ન હતી. કેટલાક વધુ જુનિયર સિવિલ સર્વન્ટ્સ માનતા હતા કે વરિષ્ઠ નેતાઓની હાજરીને કારણે તેમાંની કેટલીક ઇવેન્ટ્સમાં તેમને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી. વરિષ્ઠ નેતૃત્વ, રાજકીય અને સત્તાવાર બંને રીતે આ સંસ્કૃતિ માટે જવાબદાર છે.”

YouGov દ્વારા બુધવારે પ્રકાશિત થયેલ સ્નેપ પોલમાં જણાવાયું છે કે પાંચમાંથી ત્રણ લોકો (59 ટકા) માને છે કે આ અહેવાલને પગલે જૉન્સને વડા પ્રધાન પદેથી રાજીનામું આપવું જોઈએ. આ સંખ્યામાં 2019ના ટોરી મતદારોના 27 ટકા લોકોનો સમાવેશ થાય છે. જો કે, માત્ર સાત ટકા લોકો માને છે કે જૉન્સન રાજીનામું આપશે.