ફાઇલ ફોટો (Photo by MONEY SHARMA/AFP via Getty Images)

ICICI બેન્ક અને વીડિયોકોન ગ્રૂપના કેસમાં આ ખાનગી બેન્કના ભતપૂર્વ એમડી અને સીઇઓ ચંદા કોચરને શુક્રવારે મુંબઈની વિશેષ કોર્ટે જામીન આપ્યા હતા. ચંદા કોચર સામે નિયમોનો ભંગ કરી વિડિયોકોન ગ્રૂપને જંગી લોનની ફાળવણી કરવા અને મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.

સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટે ચંદા કોચરના જામીન મંજૂર કર્યા હતા. અદાલતે ચંદા કોચરને રૂ, 5 લાખના બોન્ડ પર જામીન આપ્યા હતા. આ ઉપરાંત કોર્ટની મંજૂરી વગર દેશમાંથી બહાર ન જવાનો પણ આદેશ આપ્યો હતો.

ICICI-વિડિયોકોન લોન કેસમાં ચંદા કોચર શુક્રવારે મુંબઇ PMLA કોર્ટ સમક્ષ હાજર થયા હતા. ચાલુ મહિનાની શરૂઆતમાં એક સ્પેશિયલ PMLA કોર્ટે કહ્યુ હતુ કે ઇડી તરફથી રજૂ કરાયેલા પુરાવાઓ અને અન્ય લોકોની વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવા માટે પુરતા છે. ગયા 30 જાન્યુઆરીના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિશેષ અદાલતે ચંદા કોચર, તેમના પતિ દિપક કોચર અને વિડિયોકોન ગ્રૂપના પ્રમોટર વેણુગોપાલ ધ્રૂત સહિત અન્ય કેટલાંક લોકોને સમન્સ મોકલ્યા હતા. વિશેષ PMLA કોર્ટના ન્યાયાધીશ એએ નંદગાંવકરે કહ્યું હતું કે, PMLA હેઠળ નોંધાયેલા નિવેદનો અને લેખિત ફરિયાદોથી જાણકારી મળે છે કે ચંદા કોચરે પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને ધૂત અને તેમની વિડિયોકોન ગ્રૂપને લોન આપી હતી.

ન્યાયાધીશે વધુમાં જણાવ્યુ કે, ચંદા કોચરે પોતાના પતિની કંપનીઓ મારફતે ખોટી રીતે નાણાંની હેરાફેરી એટલે કે મની લોન્ડરિંગનો પણ લાભ મેળવ્યો છે. વિશેષ કોર્ટે એવું પણ કહ્યુ કે, ઇડીએ જે પુરાવાઓ એકઠાં કર્યા છે તેની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ ચલાવવા માટે પુરતા છે. તમામ આરોપીઓને 12 ફેબ્રુઆરીના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ કરાયો હતો.