ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના ઇતિહાસમાં પાંચમી અને છેલ્લા ત્રણ દિવસમાં સતત ચારસોથી વધારે ચેપગ્રસ્ત દર્દીઓનો આંક ચારસોથી ઉપર રહ્યો છે. ચોવીસ કલાકમાં નવા 423 દર્દીઓ ઉમેરાયા છે અને સારવાર હેઠળના ૨૫ દર્દીઓના મૃત્યું થયાં રાજ્યનો કુલ આંક વધીને 17 હજારને પાર થઇ 17127 થયો છે જ્યારે મૃત્યું આંક 1063 સુધી પહોંચ્યો છે. સતત વધતી સંખ્યામાં સૌથી વધુ હિસ્સો અમદાવાદનો છે.

ચોવીસ કલાકમાં નવા 314 કેસ નોંધાયા છે જે અમદાવાદની તવારિખના ઇતિહાસમાં સતત ત્રીજી વખત તેમજ સૌથી વધુમાં બીજી વખત મોટી સંખ્યામાં એક સાથે કેસ નોંધાયા છે. મહાનગરમાં વધુ 22 દર્દીના મૃત્યું થયા છે. આમ, શહેર અને જિલ્લાના મળી કુલ કેસ 12494 અને મૃત્યું આંક 864 સુધી પહોંચ્યો છે.

રાજ્યના બીજાક્રમે આવતા સંક્રમિત શહેરોમાં સુરતમાં નવા ૩૯ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૨ દર્દીના મૃત્યું થયા છે. આના પછી વડોદરામાં નવા ૩૧ દર્દી ઉમેરાયા છે. સુરત પછી અરવલ્લીમાં વધુ એક દર્દીનું અવસાન થયું છે. આ સિવાય રાજ્યમાં અન્ય કોઇ જિલ્લા, મહાનગરમાં મૃત્યું નોંધાયા નથી.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે વધુ ૧૯ કેસ ઉમેરાયા છે. સાઉથબોપલ, બાળવા, માંડલ અને ઘુમામાં એક એક, દેત્રોજ, સાણંદ, વિરમગામ, ધોળકા, ધંધૂકામાં ૩-૩ કેસ નવા નોંધાયા છે. જિલ્લામાં મોટી સંખ્યામાં સેમ્પલ કલેક્ટ થયા હોવાથી હજુ આગામી દિવસોમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળશે, તેમ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીએ સંકેત આપ્યો હતો.

બીજી તરફ સુરતમાં લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાંથી સૌથી વધારે કેસ હજુ મળી રહ્યા છે તેનું કારણ લોકો કોરોના સામે રાખવી જોઇતી સાવચેતીનું પાલન કરતા નથી એટલે રોજેરોજ નવા વિસ્તારોમાં સંક્રમણ ફેલાતું જાય છે. ચોવીસ કલાકમાં સુરતમાં નવા ૩૯ કેસ અને બે દર્દીના મૃત્યું નોંધાયા છે. આ જ સ્થિતિ વડોદરાની છે જેમાં નવા ૩૧ કેસ નોંધાયા છે.

ગાંધીનગર મહાનગરમાં નવા કેસ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કલોલ, માણસા, દહેગામ જેવા તાલુકામાંથી મળી ૧૧ કેસ નોંધાયા છે. મહેસાણામાં નવા છ કેસ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં ૩-૩ કેસ આવ્યા છે. આણંદ અને પોરબંદરમાં ૨-૨ કેસ, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, પાટણ, વલસાડ અને સુરેન્દ્રનગરમાંથી એક એક કેસ ઉમેરાયો છે. જ્યારે અન્ય રાજ્યના નવા બે કેસ નોંધાયા છે.