સ્વ.શ્રી ડાહ્યાભાઇ ઝીણાભાઇ પટેલ 1964માં વૉલ્સોલમાં વસવાટ કરવા આવ્યા હતા અને હું કેન્યાથી 1970માં યુકે આવ્યો હતો. હું સોશ્યલ એસોસિએશન (ભારતીય ગુજરાતી)માં સક્રિય હતો અને તેમને હું એક સામાજિક કાર્યકર તરીકે ઓળખતો હતો, જે પછી અમારી ગાઢ અને પારિવારિક મિત્રતા થઇ હતી. ત્યારે તેઓ વેસ્ટ મિડલેન્ડ્સમાં પોતાના બિઝનેસને સેટ અપ કરતા હતા.

1970માં, વેસ્ટ મિડલેન્ડ્સના દરેક શહેરોમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ તેમની પ્રવૃત્તિઓમાં વધારો કરવા મહેનત કરી રહ્યા હતા. તે સમયે અમારે ત્યાં કોઇ હિન્દુ મંદિર ન હતું અને અમે ત્યારે શ્રી હિન્દુ મંદિરની સમિતિની રચના કરવા પ્રયાસ કરી રહ્યા હતા.

સ્વ. શ્રી ડાહ્યાભાઇ એક સફળ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હતા અને તેમણે વૉલ્સોલમાં ક્યુ એ ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ લિમિટેડ નામની વિવિધ ક્ષમતા ધરાવતા ટ્રાન્સફોર્મર્સનું મેન્યુફેક્ચરિંગ કરતા પારિવારિક બિઝનેસની સ્થાપના કરી હતી. જેના ઉત્પાદનોને BS3938 માર્ક મળવા સાથે પાછળથી વિશ્વવ્યાપી માન્યતા પ્રાપ્ત થઇ હતી.

શ્રી ડાહ્યાભાઇ ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે નિસ્વાર્થ ભાવે સંકળાયેલા હતા. તેઓ ઉદાર દાતા, ક્ષેષ્ઠ સામાજીક અગ્રણી અને સમાજના અદના સેવક હતા. તેમણે નવસારી જીલ્લામાં આવેલા પોતાના ગામ મંદિર ખાતે ગરીબ લોકોની સહાય માટે 32 બેડની આધુનિક સુવિધાઓ અને શસ્ત્ર સરંજામ ધરાવતી એક સિવિલ હોસ્પિટલ બનાવી હતી. જેને પાછળથી ગુજરાત સરકારને સોંપવામાં આવી હતી.

તેમણે પોતાના ગામના લોકોને શુધ્ધ પીવાના પાણીનો પૂરવઠો મળી રહે તે માટે મંદિર ગામમાં મીનરલ વોટર પ્લાન્ટ નાંખી આપ્યો હતો. આ ઉપરાંત ગામની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને અન્ય શૈક્ષણિક સંકુલોના વિકાસમાં ખાસ્સો રસ લીધો હતો.

શ્રી રામ મંદિર, વૉલ્સોલ, વેસ્ટ મિડલેન્ડ્સ

સ્વ. શ્રી ડાહ્યાભાઇ વૉલ્સોલમાં મંદિરની સ્થાપના માટે ભંડોળ એકત્ર કરવા માટે વૉલ્સોલના હિન્દુ સમુદાયને ખૂબ જ મદદરૂપ થયા હતા. તેઓ મંદિરના પ્લાનમાં બદલાવ, બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર્સ સાથે ચર્ચા વિચારણા કરવામાં તેમણે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા માટેનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો ત્યારથી લઇને 1991 સુધીના સમયગાળા દરમિયાન તેઓ ટ્રસ્ટીઓ સાથે ખભેખભો મિલાવીને મદદરૂપ થયા હતા. મંદિરના બાંધકામ દરમિયાન તેમના મંદિર કમિટિમાં પણ વ્યક્તિગત રૂપે મદદ કરવા મટે સામેલ કરાયા હતા.

તે પછી 1993માં બીજી વખત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો અને તે વખતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના નિર્માણ માટે અમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અમારા સમુદાયના સભ્યોએ શાંતિ જાળવવા સાથે અમારું સ્વપ્ન સાકાર થાય તે જોવા માટે ખૂબ ઉત્સુક હતા.

સ્વ. શ્રી ડાહ્યાભાઇ ઈન્ટરનેશનલ ફ્રેન્ડલી સોસાયટી ઑફ ઈન્ડિયાનો પ્રસાર કરવા માટે સામાજિક રીતે ભાગ લેતા હતા. હિન્દુઓમાં માન્યાતા છે કે દેવ-દેવીઓની મૂર્તિઓ જો ક્ષતિગ્રસ્ત થાય તે તેને બદલવી જોઇએ. અમારા શ્રી રામ મંદિરમાં પધરાવાયેલા શિવલિંગમાં થોડું નુકશાન થયું હતું. તેથી સ્વ. શ્રી ડાહ્યાભાઇએ તે માટે માંત્ર સૂચન જ નહોતું કર્યું, પરંતુ તેમના પત્ની શ્રીમતી મધુબેન ડી. પટેલ, રમણભાઇ બી. પટેલ, ખજાનચી અને ટ્રસ્ટી તરીકે મારી સાથે ચર્ચા વિચારણા કરી નવું શિવલિંગ સ્થાપવાનું નક્કી કર્યું હતું. અમે ચારે જણા તેમની કારમાં શિવલિંગ પસંદ કરવા માટે અમદાવાદ ગયા હતા. અમે નવા શિવલીંગની પસંદગી કરી તેનો ઓર્ડર આપ્યો હતો અને 2013માં તેની શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્થાપના કરી હતી.

સ્વ. શ્રી ડાહ્યાભાઇએ આપણા સમુદાયની તેમની અગણિત અને સમર્પિત સેવા માટે સૌનો આદર પ્રાપ્ત કર્યો. સ્વ. શ્રી ડાહ્યાભાઇના પંડિતો અને સંતો સાથે અસંખ્ય સંપર્કો હતા અને શ્રી રામ મંદિર, વૉલ્સોલના દરેક કાર્યક્રમો માટે તેનો ધાર્મિક રૂપે લાભ આપ્યો હતો. પરમ પૂજ્ય રામ બાપાના પણ ડાહ્યાભાઇ અને તેમના પરિવાર સાથે ખૂબ ગાઢ સંપર્ક હતા. પૂ. રામબાપાએ પણ વૉલ્સોલ મંદિર માટે ઉદારતાથી દેવતાઓની મૂર્તિઓ દાન કરી હતી. મને પણ પૂજ્ય રામ બાપાને સ્વ. ડાહ્યાભાઇ સાથે અમારા મંદિરમાં મળવાની અંગત તક મળી હતી.

મુ. મધુબેન પણ અમે જ્યારે પણ કોઇ કામ સર તેમના ઘરે જઇએ ત્યારે ભાવભીનું સ્વાગત કરી ચા નાસ્તો આપતા હતા. અમે સ્વ શ્રી ડાહ્યાભાઇ ને તેમના પરિવારના હંમેશાં આભારી રહીશુ. તેઓ એક ઉમદા અને નમ્ર વ્યક્તિ હતા અને તેમણે હંમેશાં પોતાનાથી બનતી બધી જ સેવા, સહકાર, પ્રતિબદ્ધતા, પ્રેમ અને ટેકો સમાજને આપવા માટે સખત મહેનત કરી હતી. અમે તમે આપેલા વારસાનું હંમેશા સન્માન કરીશું અને તમે આપેલી યાદોને અમારા દિલમાં સાચવીને આપને સતત યાદ કરતા રહીશું.

વ્યક્તિગત રીતે કહું તો મારા કુટુંબે અને મેં દુર્ભાગ્યે એક ખૂબ જ નિકટનો પારિવારિક મિત્ર, ભાઈ અને કાકા ગુમાવ્યાં છે. અમારુ દુ:ખ અને સહાનુભૂતિ શ્રીમતી મધુબેન અને તેમના પરિવાર સાથે જ છે. અમે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે પરમ સ્નેહી શ્રી ડાહ્યાભાઇના આત્માને શાશ્વત શાંતિ અર્પે અને તેમના પરીવારને આ આઘાત અને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

શ્રી નરશીભાઇ એમ.પટેલ, સ્વ. ભાનુબેન અને પરિવાર, મોગર / વૉલ્સોલ, યુકે.

ડાહ્યાભાઇ લોકો અને સમાજની સુધારણા માટે કામ કરતા હતા

ડાહ્યાભાઈ મારા સંબંધી – મારા બ્રધર ઇન લો હતા. હું તેમને ઘણાં વર્ષોથી વ્યક્તિગત રૂપે ઓળખું છું. તેઓ ખૂબ જ દયાળુ અને સારા સલાહકાર હતા. તેમણે હંમેશા પરિવારના સભ્યો અને અન્ય લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ સુધારાવાદી અને વિચારશીલ વ્યક્તિ હતા અને યુકે તેમજ ભારતમાં રહેતા લોકો અને સમાજની સુધારણા માટે કામ કરતા હતા. તેમણે પોતાના જીવન દરમિયાન કરેલું કાર્ય આપણા બધા માટે પ્રેરણારૂપ હતાં. અમે તેમના મહાન કાર્યો માટે સદાય યાદ કરીશું. ભગવાન તેમના આત્માને શાશ્વત શાંતિ આપે તે માટે પ્રાર્થના કરીએ છીએ.

– ડૉ. રામભાઇ એમ.પટેલ – બ્રધર ઇન લો.

મારા પ્રબળ માર્ગદર્શક અને રોલ મોડેલ ડાહ્યાકાકા

શ્રી માંધાતા સમાજ વૉલ્સલના પ્રમુખ તરીકે મને મારા માર્ગદર્શક ડાહ્યાકાકા સાથે રહીને કામ કરવાનો આનંદ મળ્યો છે. તેમણે મને હંમેશા મૂલ્યવાન માર્ગદર્શન આપી સમાજ અને શ્રી રામ મંદિર તથા યુવાનો અને વૃદ્ધો વચ્ચેના સંબંધોને જાળવવા તેમજ મજબૂત મંદિરને સમુદાયીક કેન્દ્ર બનાવવાની કોશિશ કરી હતી. સમાજ માટે કમ્યુનિટી હોલ ખરીદવાની તેમની તૈયારી તેમની સાચી ઉદારતા અને સેવાભાવી સ્વભાવનું બેજોડ પાસુ દર્શાવે છે.

સકારાત્મક વિચારસરણી અને મહત્વાકાંક્ષાએ તેમને મહાન રોલ મોડેલ બનાવ્યા હતા અને તેમાંથી હું ઘણું શીખી શક્યો છું.

– ગુલાબભાઇ પટેલ – પ્રમુખ, શ્રી માંધાતા સમાજ.

પ્રેરણાદાયી નેતા, સમાજના વડા અને પ્રોત્સાહક વ્યક્તિ: ડાહ્યાકાકા

ડાહ્યાભાઈ પટેલને હું હંમેશા કાકા કહેતો. ડાહ્યાકાકા, મારા પિતા અને રામભાઇ અને અન્ય લોકોએ શ્રી મંદિર ગામસેવા મંડલ યુકેની 1981માં શરૂઆત કરી હતી. કાકાએ પોતાના સંબોધનમાં ઘણી વખત ગામસેવા એટલે કે લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરતા અને ગામના લોકોને મદદ કરવાની યાદી સદાય ખીસ્સામાં રહેતી.

કાકાના માર્ગદર્શન હેઠળ 80ના દાયકાના અંતમાં ગામમાં પાણીની ટાંકીના વિકાસ; સ્મશાનગૃહ, મંદિર, માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના મકાનોના સમારકામ અને વિસ્તરણ જેવા ઘણાં પ્રોજેક્ટ્સ થયા હતા.  મેં કાકામાં એક પ્રેરણાદાયી નેતા, સમાજના વડા, પ્રોત્સાહક, અને અસંભવને સંભવ કરનાર વ્યક્તિ તરીકે જોયા છે. કાકાએ તેમની અગમચેતી, સખત મહેનત અને ઉદ્યોગસાહસિકતાથી પોતાનો સફળ વ્યવસાય વિકસિત કર્યો.

તેમણે પોતાની સમૃદ્ધિ દ્વારા ગામના પ્રોજેક્ટ્સ, યુકેના સમુદાય માટે અને અન્ય ઘણા સખાવતી કાર્યક્રમ માટે મદદ કરી હતી. લોકોની વધુ સારી જીંદગીમાં મદદ માટે તેમણે શાણપણ, શક્તિ, સંસાધનો, ગુણોનો ઉપયોગ કર્યો હતો.

તેમણે મંદિર ગામમાં બનાવેલી કમ્યુનિટી હોસ્પિટલનો એપ્રિલ 2003માં ગુજરાતના મુખ્ય પ્રધાન – નરેન્દ્ર મોદીએ શુભારંભ કર્યો હતો.

– જયેશ પટેલ, પ્રમુખ, શ્રી મંદિર ગમસેવા મંડલ યુકે.

વૉલ્સોલ શ્રી રામ મંદિરની સ્થાપનાના પાયાના પથ્થર

હું ડાહ્યાભાઇને તેમની નાની સાળી સાથે 1968માં મારા લગ્ન થયા બાદ મળ્યો હતો. તેઓ મારા જ્ઞાનનો સ્ત્રોત હતા અને હું હંમેશા તેમની સલાહ માનતો. તેમની સલાહથી જ મેં સ્ટેફર્ડમાં જી.ઈ.સી.ની નોકરી પસંદ કરી હતી અને સ્ટેફર્ડનું હાલનું ઘર પસંદ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

નમ્ર અને સાચા અર્થમાં સજ્જન ડાહ્યાભાઈ વુલ્વરહેમ્પ્ટન એજ્યુકેશન કમિટીના સભ્ય બન્યા બાદ શિક્ષણ અંગે લઘુમતી સમાજનો અવાજ બન્યા હતા. ડાહ્યાભાઈએ વુલ્વરહેમ્પ્ટનમાં ગુજરાતી સમુદાયમાં એકતા અને માર્ગદર્શન માટે ગુજરાત સમાજ અને ગુજરાતી એસોસિએશનની સ્થાપનાની આગેવાની લીધી હતી.

તેમણે ભારતીય સમુદાયના અગ્રણીઓ સાથે મળીને વૉલ્સોલમાં શ્રી રામ મંદિર બનાવવા જમીન સંપાદન કરવામાં અને ભંડોળ એકત્રિત કરવામાં મદદ કરી હતી. ડાહ્યાભાઈના પ્રયાસોથી પ્રસિધ્ધ કથાકાર પૂ. મોરારી બાપુએ મંદિરની મુલાકાત લીધી હતી અને તેમના ઘરે રહ્યા હતા.

તેઓ ભારતમાં વસતા પરિવાર, સંબંધીઓ અને મિત્રોની નિયમિત મુલાકાત લેતાં અને પોતાની સંપત્તિ તમામ સમુદાયોમાં વહેંચી હતી. મારી પુત્રીના લગ્ન દરમિયાન, ડાહ્યાભાઈએ લગ્નની તમામ જવાબદારી લીધી હતી. તેમના શાંત, નમ્ર, કેરીંગ, સફળ, મહેનતુ વ્યક્તિત્વ અને મદદને પગલે હું જીવનનાં નિર્ણયો લેવામાં સક્ષમ બન્યો હતો. 1968 થી તેઓ મારા સાચા મિત્ર અને સાઢુભાઇ હતા.

– રમણભાઇ ડી. પટેલ, સ્ટેફર્ડ, યુ.કે.

માસાજી મારા બીજા પિતા અને માર્ગદર્શક

“મારા ડાહ્યુ માસાજી, અમારા પરિવારના નેતા હતા. હું આજેય શ્રી રામ મંદિરના ઉદઘાટન સમારોહની ગૌરવપૂર્ણ ક્ષણને યાદ કરું છું. અમે ગરબા માટે વૉલ્સોલ જતા જેનું સંચાલન મારા માસાજી, શ્રી રામ મંદિરોના પ્રમુખ અને ટીમ કરતી હતી. સમર હોલીડેમાં હું મારા માસાજી અને માસી સાથે એમના મેન્શનમાં રહેતી ત્યારે સાથે રહેવાની, સ્પોઇલ્ડ થવાની, તેમના બારબેક્યુ અને ચળકતી કારોમાં ફરવાની મઝા આવતી.

માસાજી મારા બીજા પિતા હતા. તેમણે મને ભણવામાં પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે મને ભણવા, ઉચ્ચ પ્રગતિ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. 1995 માં, માસાજીએ જ મારા 1800 અતિથિઓ ધરાવતા લગ્નની વ્યવસ્થાનું નેતૃત્વ કર્યું હતું. સ્વાભાવિક રીતે યુએસએ જતાં, મુલાકાતોમાં ઘટાડો થયો હતો. પણ 2019 માં હું તેમના ઘરે થોડા દિવસો આનંદ માણી શકી હતી. મસાજીને એક સર્વોપરી, બુદ્ધિશાળી, નમ્ર, વડિલ નેતા તરીકે યાદ કરવામાં આવશે, તેમની શાણપણના સકારાત્મક શબ્દો વહેંચવામાં આવશે અને તેમની ઉપદેશોને અનુસરવામાં આવશે.

–  અમીષા પટેલ, ન્યૂ જર્સી, યુએસએ (ભાણેજ)

જીવનનાં ઘણાં પાઠ માસાજી પાસેથી શીખ્યા છે

માસાજી, મારી યાદોમાં એક એવા માણસ હતા જેમણે માત્ર મારા પર જ નહિં પણ સૌ પર કરૂણા, આનંદ અને પ્રેમ વરસાવ્યો હતો. મેં બાળપણથી કિશોર વય સુધી તેમની સાથે ગાળેલી હોલીડેઝમાં ગાર્ડનીંગ, કાર કે તેમણે ખરીદેલા ગેઝેટ્સ વિષે વાતો કરીને તથા તેમની ફેક્ટરીમાં આનંદી કર્મચારીઓ અને મારા સંબંધીઓ સાથે મળીને પસાર કર્યો છે. તેઓ સમર હોલીડેઝનું મુખ્ય કેન્દ્ર હતા. મેં મારા જીવનનાં ઘણાં પાઠ માસાજી પાસેથી શીખ્યા છે જેને 1994માં યુકે છોડ્યા પછી આજ દિન સુધી હું યુએસએમાં તેનું પાલન કરું છું. ઉદાહરણ તરીકે, ફક્ત કુટુંબ અને મિત્રો જ નહીં પરંતુ જીવનમાં જેમની સાથે વાત કરીએ છીએ તે બધા પ્રત્યે સહાનુભૂતિ રાખવી. તેમની પાસેથી અસંખ્ય નિસ્વાર્થ સમુદાયીક પ્રવૃત્તિઓ દ્વારા સાચા પરોપકાર વિશે શીખ્યો હતો.

– હિતેશ પટેલ, સાન ડિએગો, યુએસએ (ભાણેજ)

પ્રામાણિક જીવન, સત્યનું પાલન અને સૌની સંભાળ રાખવાનું શિખવનાર પિતાને વંદન

યુકે અને ભારતમાં વિવિધ ક્ષેત્રો, ઉદ્યોગ, હિન્દુ ધર્મ, સામાજીક બાબતોમાં જબરદસ્ત કાર્યો કરનાર અમારા પપ્પા એક પ્રેમાળ અને આકર્ષક કૌટુંબિક માણસ પણ હતા. તેમણે અને અમારી મમ્મી, મધુકાન્તાએ અમને ઘણા અનુભવો આપ્યા છે.

બાળપણમાં તેમણે અમારા દિવસોને વિવિધ પ્રવૃત્તિઓથી ભરી દીધા હતા. ઉનાળાની સરસ સાંજે અમે સપરિવાર શાક અને રોટલીનું સરળ ભોજન પેક કરી પિકનિક પર જતા. તો દેશની ઐતિહાસિક ઇમારતો, બીચીસ, બુકશોપથી લઇને બ્લેકપૂલ ઇલુમિનેશન્સ, સાઉથપોર્ટ એમ્યુઝમેન્ટ આર્કેડની ટ્રીપ્સ કરતાં. ઘણીવાર રવિવારે બપોરે આખું કુટુંબ તેમની મીની કારને ધોવા અને પોલિશ કરવામાં મદદ કરતું. અમને એકલા બેડરૂમમાં બેસવા કે ટીવી જોવાને બદલે  ગાર્ડનીંગ, રસોઈ કે ગેટ ટુ ગેધરની તૈયારી કરવાની, ઘરે આવનાર મહેમાનો સાથે વાત કરવાની, સામાજિક મુલાકાતોની જવાબદારી સોંપાતી. અમે પપ્પા અને મમ્મી સાથે વિશ્વવ્યાપી જોવાલાયક સ્થળોનો વ્યાપક પ્રવાસ કરી આનંદ માણ્યો છે.

પપ્પાને શિક્ષણમાં ઉંડો રસ હોવાથી 2 સ્થાનિક શાળાઓમાં સ્કૂલ ગવર્નર તરીકે નિમણૂંક કરાઇ હતી. તેમણે અમને શિક્ષણ અને આનંદ માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે અમને સમજાવ્યું હતું કે માત્ર મહેનત દ્વારા જ તમે ઇચ્છો તે પ્રાપ્ત કરી શકો છો અને તેમણે તે સાબિત કર્યું છે. તેમણે અમને દિકરીઓ તરીકે સક્ષમ બનાવ્યા હતા જેમાં અમારો અવાજ અને વિવિધ બાબતો પર અભિપ્રાય પણ ઘડ્યો હતો. તેમણે અમને ડ્યુક ઑફ એડિનબરા, સ્કૂલના ક્વાયર પ્રેક્ટિસ, હૉકી મેચથી લઇને ક્રિશ્ચિયન એઇડ ફેન્સી ડ્રેસ સ્પર્ધાઓ જેવી જેવી એક્સ્ટ્રા એક્ટીવીટી કરાવી હતી. તો બિઝનેસના પ્રારંભથી અમને નાની ઉંમરથી સાથે રાખ્યા હતા, બિઝનેસ કોલ્સનો જવાબ કેમ આપવો તે શીખવ્યું હતું અને બિઝનેસ ડિનર હોસ્ટ કરતા તેમાં અમને લઈ જતા હતા.

પપ્પા એક કડક પિતા હોઈ શકે છે, પરંતુ તેમણે જીવનભર અમને નક્કર સલાહ આપી હતી. તેઓ કોઈની સાથે ખરાબ બોલતા નહીં. અમને પ્રામાણિક જીવન જીવવા, દરેક સમયે સત્યનું પાલન કરવા, બીજાની સેવા કરવા અને દરેકની સંભાળ રાખવાનું શિખવ્યું હતું. તેમણે તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન અને ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રનને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું હતું અને તેઓ તેમના માટે સક્રિય ગ્રેટ ગ્રાન્ડ ફાધર હતા.

પપ્પા, અમે તમને યાદ કરીએ છીએ, તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, અમને તમારા કુટુંબીજન હોવા પર ગૌરવ છે અને અમે તમારા મૂલ્યોનું હંમેશા જતન કરીશું.

– અલકા, રન્ના, નિશા અને મિરાજ (પરિવારજનો)

માંધાતા સમાજના વિશ્વભરમાં વસતા લોકોને મોટુ નુકશાન

ડાહ્યાભાઇ પટેલના દુ:ખદ અવસાનથી તેમના પરિવારજનો જ નહિં પણ માંધાતા સમાજના યુકે અને વિશ્વભરમાં વસતા લોકોને મોટુ નુકશાન થયું છે. તેઓ માધાંતા સમાજના ખૂબ જ અગ્રણી અને પ્રખર સભ્ય હતા અને આપણા સમાજના લાભાર્થે તેમના સેવાભાવી યોગદાન બદલ તેમને હંમેશા યાદ કરવામાં આવશે. અમારી લાગણી અને પ્રાર્થનાઓ આ મુશ્કેલ સમયગાળા દરમિયાન તમારા પરિવારની સાથે જ છે.

– હસમુખ એસ. પટેલ, પ્રમુખ અને અશોક આર. પટેલ, સેક્રેટરી (ધ એસોસિએઅશન ઓફ માંધાતા સમાજ યુકે)