અગ્રણી ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે શુક્રવારે દિલીપ સંઘાણી ફરી એકવાર સર્વાનુમતે ચૂંટાયા હતાં. દિલીપ સંઘાણી ગુજરાતના પીઢ સહકારી આગેવાન છે અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વફાદાર માનવામાં આવે છે. સંઘાણીની પુનરાગમનથી દિલ્હીથી ગુજરાત સુધીના તેમના સમર્થકોમાં આનંદ ફેલાયો હતો..વાઈસ-ચેરમેન તરીકે બલવીર સિંહે ચૂંટાઈ આવ્યાં હતાં.
ઉત્તરાખંડના ઉમેશ ત્રિપાઠીએ સંઘાણીના નામની દરખાસ્ત મૂકી હતી. હરિયાણાના પ્રહલાદ સિંહે તેને સમર્થન આપ્યું હતું. વાઇસ ચેરમેન બલવીર સિંહના કિસ્સામાં, જગદીપ સિંહ નાકાઈએ પ્રસ્તાવ મૂક્યો હતો અને પ્રેમચંદ મુનશીએ તેને સમર્થન આપ્યું હતું.
ખાતર ક્ષેત્રની ખેડૂતોની આ સહકારી સંસ્થાના 21 ડાયરેક્ટર્સની પણ 9મેએ ચૂંટણી યોજાઈ હતી. ઇફ્કો દર વર્ષે 60 હજારથી વધુ કરોડનું ટર્નઓવર કરતી અગ્રણી સંસ્થા છે. ગઇકાલે ડાયરેક્ટર પદની ચૂંટણીમાં ભાજપના જયેશ રાદડિયાએ ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલની હરાવ્યા હતા.
ઇફ્કોના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ માટે 21 ડાયરેક્ટર્સની બોર્ડ મિટિંગ મળી હતી. જેમાં દિલીપ સંઘાણીની ચેરમેન તરીકે બીજી વખત નિયુક્તિ કરાઈ હતી.
ઇફ્કોના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. યુ.એસ. અવસ્થીએ જણાવ્યું હતું કે ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી અને સમાજમાં અમૂલ્ય યોગદાન બદલ ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બલવીર સિંહ અને બોર્ડના તમામ સભ્યોને અભિનંદન આપ્યા હતાં.