Number of Indian students in US increased, Chinese decreased
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
  • એક્સક્લુસિવ
  • બાર્ની ચૌધરી

80થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમમાં નિષ્ફળ ગયા બાદ યુકેના લેસ્ટરની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી (ડીએમયુ) રેસીસ્ટ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ભારતીય હાઈ કમિશને તા. 18ના રોજ વાઇસ ચાન્સેલર, પ્રોફેસર કેટી નોર્મિંગ્ટનને પત્ર લખીને ભારતના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા જાતિવાદ અને ભેદભાવના દાવાઓની તપાસ કરવા વિનંતી કરી છે. બીજી તરફ પૂર્વ લેસ્ટર ઇસ્ટ સાંસદ કીથ વાઝે વિદ્યાર્થીઓ માટે લડત હાથ ધરી છે.

ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ એજ્યુકેશન સેક્રેટરી નિધિ ચૌધરીએ લખ્યું હતું કે “આરોપ છે કે વિદ્યાર્થીઓને તેમની માસ્ટર ડિગ્રીથી વંચિત રાખવામાં આવે છે, જે ભારતીય હાઇ કમિશન માટે ચિંતાનો વિષય છે. તેથી વિનંતી કરવામાં આવે છે કે યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે યોગ્ય પગલાં લેવાનું વિચારી શકે.”

ભારતીય વિદ્યાર્થીઓ ઇચ્છે છે કે યુનિવર્સિટી રેગ્યુલેટર, ઓફિસ ફોર સ્ટુડન્ટ્સ, તેમના રેસીઝમના દાવાઓની તપાસ કરે. ગયા અઠવાડિયે તા. 12ના રોજ ઇસ્ટર્ન આઇએ ખુલાસો કર્યો હતો કે ભૂતપૂર્વ યુરોપ મિનિસ્ટર કીથ વાઝે આરોપોની તપાસ કરવા DMUને કહ્યું છે અને યુનિવર્સિટીએ સ્પર્ધા અને માર્કેટિંગ નિયમો તોડ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવા માંગે છે જે એક ગંભીર આરોપ છે.

ગરવી ગુજરાતે યુનિવર્સિટીના વરિષ્ઠ નેતાઓને મોકલાયેલા પત્રો અને ઈમેઈલ જોયા છે જેમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવામાં આવે છે તે અંગેની અસ્વસ્થતા સ્પષ્ટ કરે છે અને પ્રશ્ન કરે છે કે ભારતના જ ઘણા બધા વિદ્યાર્થીઓએ એક ચોક્કસ મોડ્યુલમાં કેમ નાપાસ થયા છે.

એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે “ભારતના જ ઘણા બધા કેવી રીતે નિષ્ફળ થઈ શકે?” બીજાએ કહ્યું હતું કે “કોર્સના પેજીસ મુજબ એક મોડ્યુલ વૈકલ્પિક હતું, પરંતુ હું યુકે પહોંચ્યો ત્યાં સુધીમાં તે ફરજિયાત કરાયું હતું. મને તે મોડ્યુલ લેવાની ફરજ પડી હતી.’’

તે મોડ્યુલ એન્જિનિયરિંગ બિઝનેસ એન્વાયર્નમેન્ટનું હતું. એન્જિનિયરિંગના 128 વિદ્યાર્થીઓ ભારતીય હતા, જે સમગ્ર પાથના 52 ટકા છે. કુલ 128માંથી 89 અથવા લગભગ 70 ટકા નિષ્ફળ ગયા છે. વિદ્યાર્થીઓએ જે ડિગ્રી લીધી હતી તેના આધારે તેમની નિષ્ફળતાનો દર 18 અને 85 ટકા છે. ઉદાહરણ તરીકે, એન્જિનિયરિંગ મેનેજમેન્ટ માસ્ટરના પાથવે પરના 85 ટકા તેમના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા.

DMU એ વાત પર મક્કમ છે કે વિદ્યાર્થીઓની નિષ્ફળતા જાતિવાદને કારણે નથી.

ઈન્ટિગ્રેશન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે લડત હાથ ધરનાર કીથ વાઝે 1 જુલાઈના રોજ નોર્મિંગ્ટનને લખેલા પત્રમાં કહ્યું હતું કે, “હું જાણું છું કે 21 જૂન, 2023ના રોજ પ્રોફેસર શુષ્મા પટેલ (પ્રો વાઇસ ચાન્સેલર) અને ચાર વિદ્યાર્થીઓ વચ્ચે મીટિંગ થઈ હતી. જો કે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે યુનિવર્સિટી કથિત ભેદભાવને લગતા મૂળભૂત પાસાને સ્વીકારવાનો ઇનકાર કરે છે. મીટિંગ દરમિયાન, પ્રોફેસર પટેલે જણાવ્યું હતું કે કારણ કે વર્ગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ એશિયન મૂળના છે અને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક આ મોડ્યુલ પૂર્ણ કર્યું છે, ત્યાં કોઈ ભેદભાવ હોઈ શકે નહીં.’

યુનિવર્સિટી પ્રવક્તાએ આરોપોને નકારતા ગરવી ગુજરાતને કહ્યું હતું કે તેણે આરોપોને ગંભીરતાથી લીધા છે. “મોડ્યુલ એન્જિનિયરિંગ બિઝનેસ એન્વાયર્નમેન્ટ માટે અમારી પાસે ગ્રેડિંગ માટે મજબૂત પ્રક્રિયાઓ છે, જેમાં બે આંતરિક માર્કર્સ દ્વારા મૂલ્યાંકન અને યુનિવર્સિટીના બહારના એક પરીક્ષક દ્વારા અનુગામી સમીક્ષાનો સમાવેશ થાય છે, ત્યારબાદ અંતિમ મધ્યસ્થતા પેનલનો સમાવેશ થાય છે. જેમાં કુલ 80 ભારતીય વિદ્યાર્થીઓએ મોડ્યુલ પાસ કર્યું હતું જ્યારે 58 નાપાસ થયા.”

ગરવી ગુજરાત સાથે વાત કરતા વાઝે કહ્યું હતું કે “હું ઈચ્છું છું કે વાઇસ ચાન્સેલર 75 વિદ્યાર્થીઓને મળે અને મોડ્યુલો વિશેની તેમની ચિંતાઓ સાંભળવી જોઈએ. તેમણે યોગ્ય સ્વતંત્ર તપાસ કરવાની જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓ પાસેથી £1.2 મિલિયન લીધા છે, તેમને દેશ છોડી ભારત પાછા જવું પડશે, અને તે યોગ્ય ન હોઈ શકે.’’ વાઝે કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીને પણ પત્ર લખ્યો છે અને તેની જાણ યુનિવર્સીટીને કરી છે.

ગરવી ગુજરાતને જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓને વૈકલ્પિક વિષયો ઓફર કરાયા હોવા છતાં રીક્રુટમેન્ટ વેબસાઇટે તેમને આ વચન આપ્યું હતું. જે DMU સાથેના તેમના કરારનો ભંગ છે.

વિદ્યાર્થીઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે તેમને DMU તરફથી પૂરતો સહકાર મળ્યો નથી, અને તેમનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થયું છે.

LEAVE A REPLY