molesting female patients
Dr Manish Shah, GP Romford
અગાઉ બે ટ્રાયલમાં 24 મહિલા દર્દીઓની છેડછાડ કરવાના 90 ગુના માટે ઓછામાં ઓછી 15 વર્ષની જેલની સજા સાથે ત્રણ આજીવન કેદની સજા ભોગવી રહેલા ઇસ્ટ લંડનના રોમફર્ડના જીપી ડૉ. મનીષ શાહને પોતાના ક્લિનિકમાં વધુ ચાર મહિલાઓ પર 25 જાતીય હુમલા કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ જીપી ડૉ. શાહે પોતાના વિશ્વાસુ પદનો દુરુપયોગ કર્યો હતો અને તેમની મહિલા દર્દીઓને ગેરવાજબી રીતે આક્રમક શારીરિક તપાસમાંથી પસાર થવા માટે સમજાવી જાતીય હુમલા કર્યા હતા.
તાજેતરના ચુકાદા સાથે તેના કુલ ગુનાઓની સંખ્યા વધીને 115 થઈ છે. ડૉ. શાહના ગુનાનો ભોગ બનેલી 28 મહિલાઓની વય 15 થી 34 વર્ષની હતી.
ડૉ. શાહ મહિલાઓ પોતાને ખાનગી તપાસ કરવા દે તે માટે તેમને અભિનેત્રી એન્જેલીના જોલી અને કેન્સરના કારણે મરણ પામેલી બીગ બ્રધર ફેમ જેડ ગુડી સહિત વિવિધ જાણીતી હસ્તીઓના દાખલા આપતા હતા. જેના કારણે તેમના દર્દીઓમાં કેન્સરનો ભય પેદા થતો હતો અને તે મહિલાઓ તેમને યોનિમાર્ગ અને સ્તનની તપાસ સહિતની ઘનિષ્ઠ તપાસ કરવા દેતી હતી.
ઓલ્ડ બેઇલી કોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે ડૉક્ટર પોતાને “મદદરૂપ” દેખભાળ કરનાર, વિચારશીલ અને નમ્ર ડૉક્ટર હોવાનું બતાવતા હતા. જેને કારણે મહિલાઓ વધારાની તપાસ કરાવવા માટે તૈયાર થતી હતી. પરંતુ તેમના શબ્દો પર વિશ્વાસ કરતી સ્ત્રીઓ સાથે તેમણે છેડછાડ કરી પદનો “દુરુપયોગ” કર્યો હતો.
તેમના વિરૂધ્ધ પુરાવા આપનાર કેટલીક મહિલાઓને ડૉ. શાહ “સ્ટાર”, “સ્પેશિયલ ગર્લ” અને તેમની “ફેવરિટ” કહેતા હતા. એક કિશોરીએ તો કહ્યું હતું કે ડૉક્ટરે તેને એક સુંદર છોકરી ગણાવી તારે તો મોડલ બનવું જોઈએ એમ કહ્યું હતું.
આ કેસોમાં મનિષ શાહની 9 જાન્યુઆરીએ સજા થશે.
53-વર્ષીય મનીષ શાહ અગાઉ રોમફોર્ડમાં માવની રોડ મેડિકલ પ્રેક્ટિસમાં જાણીતા જીપી પાર્ટનર હતા. ડૉ. મનીષ શાહની એપોઇન્ટમેન્ટ ડાયરી હંમેશા બુક રહેતી હતી.
મેટ પોલીસના કમાન્ડર કેવિન સાઉથવર્થે કહ્યું હતું કે “આ ગુનાઓની અસર પીડિતો પર પડે છે અને તે અસર આખી જીંદગી તેમની સાથે રહેશે. અમે ફરિયાદથી લઇને ન્યાય અપાવવા સુધીની તપાસના તમામ તબક્કામાં પીડિતોને સમર્થન આપવા માટે સમર્પિત રહીએ છીએ. હું ભોગ બનેલા સૌ કોઈને પ્રોત્સાહિત કરું છું કે કે જો તેમને લાગે કે તેઓ જાતીય હુમલો, ઘરેલું દુર્વ્યવહાર અથવા ઉત્પીડનનો ભોગ બન્યા છે તો તેમણે પોલીસને તેની જાણ કરવી જ જોઇએ.”
આ કેસની આગેવાની મેટ પોલીસની કોમ્પ્લેક્સ ઇન્વેસ્ટીગેટીવ ટીમ દ્વારા કરાઇ હતી જેણે તબીબી નિષ્ણાતો સાથે વ્યાપક સંપર્ક કરી સ્થાપિત કર્યું હતું કે ક્યારે કેવી શારીરિક તપાસની જરૂર હતી કે ન હતી.
ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર તારિક ફારૂકીએ કહ્યું હતું કે “હું શાહ વિરુદ્ધ પુરાવા આપવા માટે કોર્ટમાં હાજર રહેલા લોકોનો આભાર માનું છું. અમે તમામ ફરિયાદોને ગંભીરતાથી લઈએ છીએ અને તેની સંપૂર્ણ તપાસ કરીએ છીએ, પછી ભલે તે કોઈની પણ વિરુદ્ધ હોય.”

LEAVE A REPLY

20 − 17 =