ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુબઈમાં યોજાઈ રહેલાં દુબઈ એક્સ્પો 2020માં ઈન્ડિયા પેવેલિયન ખાતે 6 ઓક્ટોબરે આયોજિત સ્પેશ્યલ સેશન ‘ધોલેરા પાયોનીયરિંગ સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઈન ઈન્ડિયા’માં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું.

પટેલે જણાવ્યું હતું કે, ‘ધોલેરા- અ- ન્યૂ એરા’ની નેમ સાથે ધોલેરા ભવિષ્યનું સૌથી અત્યાધુનિક સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ સિટી બનશે. અને આ સાથે તેમણે વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે અનુરોધ કર્યો હતો. એક્સપો 2020માં ભારતીય પેવેલિયનમાં આયોજિત સ્પેશિયલ સેશનમાં સંબોધન કરતાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતની ચર્ચા અને તુલના વિશ્વના વિકસિત દેશો સાથે થાય છે. દેશનું સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ એટલે કે 37 ટકા FDI એકલા ગુજરાતે મેળવ્યું છે. એન્જિનિયરીંગ, ઓટો પાર્ટસ, ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ તથા જેમ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં ગુજરાત અગ્રીમ છે.

ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (SIR)અંગે રોકાણકારોને માહિતી આપતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ધોલેરા SIR ગ્રીનફિલ્ડ પ્રોજેકટ 920 સ્કવેર કિલોમીટરના વિશાળ વિસ્તાર, DMIC સાથેના જોડાણ તેમજ નેકસ્ટ જનરેશન ટેકનોલોજી સાથે સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલિટીઝ સાથેનું વેલ પ્લાન્ડ સિટી બનવાનું છે ધોલેરા SIRમાં એરોસ્પેસ, ડિફેન્સ, એન્જીનીયરીંગ, આઇ.ટી, ઇલેકટ્રોનીક તથા રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોનું પોટેન્શિયલ રહેલું છે.ભૂપેન્દ્ર પટેલે આગામી વાયબ્રન્ટ સમિટ-2022માં યુ.એ.ઇના વેપાર-ઉદ્યોગ સાહસિકોને જોડાવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.