છત્તીગઢના બસ્તર જિલ્લામાં શુક્રવાર, 19 એપ્રિલ, 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન કરવા માટે મતદાન મથક પર કતારમાં ઊભા રહેલા મતદારો તેમના ઓળખ કાર્ડ બતાવે છે.(PTI Photo)

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં શુક્રવાર, 19 એપ્રિલે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ મતદાન ચાલુ થયું હતું. પ્રથમ તબક્કાની ચૂંટણી હેઠળ દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠકો પર શુક્રવારે સવારે 7 વાગ્યે મતદાન ચાલુ થયું હતું. કુલ સાત તબક્કામાં પહેલી જૂન સુધી દેશમાં ચૂંટણીનો માહોલ રહેશે અને 4 જૂને રિઝલ્ટ જાહેર થશે. બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન થશે.

પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ 39, રાજસ્થાનની 12, યુપીની 8, મધ્યપ્રદેશની 6, આસામ-મહારાષ્ટ્રની 5-5. બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની બે તથા ઉત્તરાખંડની તમામ 5, અરુણાચલની તમામ 2 અને મેઘાલયની તમામ 2 બેઠકો પર મતદાન ચાલુ થયું હતું.

પ્રથમ તબક્કામાં આઠ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો, એક ભૂતપૂર્વ રાજ્યપાલ, કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને ડીએમકેના કનિમોઝી, તમિલનાડુમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી રહેલા  આક્રમક નેતા કે અન્નામલાઈ  સહિત 1,600થી વધુ ઉમેદવારોના રાજકીય ભાવિ ઇવીએમમાં સીલ થશે. આની સાથે શુક્રવારે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ રાજ્ય વિધાનસભાની કુલ 92 બેઠકો માટે પણ મતદાનનો પ્રારંભ થયો હતો.

ચૂંટણી પંચે 1.87 લાખ મતદાન મથકો પર 18 લાખથી વધુ ચૂંટણી કર્મચારીઓ તૈનાત કર્યા છે. આશરે 16.63 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાતામાં 8.4 કરોડ પુરૂષો, 8.23 કરોડ મહિલાઓ અને 11,371 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 20-29 વર્ષની વય જૂથના 3.51 કરોડ યુવા મતદારો છે.  35.67 લાખ મતદાતા પ્રથમ વખત મત આપશે.

ચૂંટણી અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને લઈ જવા કુલ 41 હેલિકોપ્ટર, 84 સ્પેશિયલ ટ્રેનો અને લગભગ એક લાખ વાહનો માટે તૈનાત કરાયા છે. 50 ટકાથી વધુ મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરાશે.

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ છિંદવાડાથી ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે. પશ્ચિમ ત્રિપુરાની બેઠક પર પૂર્વ મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ આશિષ કુમાર સાહા વચ્ચે હાઈ-વોલ્ટેજ ટક્કર જોવા મળશે.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આઠ કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબ (ત્રિપુરા) અને નબામ તુકી (અરુણાચલ પ્રદેશ), તથા ભૂતપૂર્વ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન (તેલંગાણા) સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાં છે. આઠ કેન્દ્રીય પ્રધાનોમાં નીતિન ગડકરી, કિરેન રિજિજુ, સર્બાનદા સોનોવાલ, સંજીવ બાલિયાન, જિતેન્દ્ર સિંહ, ભૂપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ અને એલ મુરુગનનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર બેઠક તથા કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલિયાન ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ સીટ મુઝફ્ફરનગરથી ચૂંટણી મેદાનમાં છે. જમ્મુ-કાશ્મીરની ઉધમપુર સીટથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર લાલ સિંહ સાથે છે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનની અલવર સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બીકાનેરમાં કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન ગોવિંદ રામ મેઘવાલ સામે ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન એલ મુરુગન તમિલનાડુની નીલગીરી લોકસભા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ રાજા સામે ચૂંટણી લડી રહ્યા છે.

 

LEAVE A REPLY

four × 1 =