યુરોપિયન યુનિયન (EU)ના 27-સભ્યોના બ્લોકમાંથી બહાર નીકળ્યા પછી યુકે દ્વારા EU સિવાયના બીન  સભ્ય દેશોના લોકો માટે નવી ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજના આ વર્ષે ઓક્ટોબરમાં કતારના મુલાકાતીઓ માટે શરૂ થશે અને તે પછી અન્ય ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશો અને જોર્ડનને વર્ષ 2024માં ઓફર કરાશે.

યુકેના ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે, ‘’પ્રી-ટ્રાવેલ ETA ઓનલાઈન અરજી માટે ફી લેવાશે જે સમગ્ર વિશ્વની સમાન યોજનાઓ સાથે સુસંગત હશે. આ ઇટીએ જોખમ ઊભું કરનારા લોકોના આગમનને અટકાવીને અમારી સરહદ સુરક્ષામાં વધારો કરશે. તે કાયદેસરના મુલાકાતીઓની મુસાફરીમાં સુધારો કરશે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના દેશોમાંથી મુલાકાત લેનારાઓ પ્રથમ હશે.”

આગામી વર્ષ સુધીમાં આ યોજના હેઠળ EU સભ્ય દેશો, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને હાલમાં યુકેની વિઝા-માફીની યાદીમાં રહેલા અન્ય દેશોનો સમાવેશ થશે. ETA માટેની અરજી પ્રક્રિયા ઝડપી અને સંપૂર્ણ રીતે ડિજિટલ હશે અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા અરજી કરી શકાશે. તેમની અરજી પર ઝડપી નિર્ણય લેવાશે. એકવાર ETA મંજૂર થયા બાદ વ્યક્તિઓ બે વર્ષની માન્ય અવધિમાં યુકેની બહુવિધ મુલાકાતો લઈ શકે છે. આરજી માટે બાયોમેટ્રિક વિગતો અને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા પડશે.

બ્રિટિશ અને આઇરિશ નાગરિકોને યુકેની મુસાફરી કરવા માટે ETAની જરૂર રહેશે નહીં. જો કે આયર્લેન્ડ થઈને યુકેમાં આવનાર વ્યક્તિઓ હજુ પણ યુકેની ઈમિગ્રેશન જરૂરિયાતોને આધીન રહેશે.

LEAVE A REPLY

15 − five =