ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જૂથે ઇંગ્લિશ ટેસ્ટ કૌભાંડના કારણે તેમના વિઝાને “અન્યાયી” રીતે રદબાતલ કરવા સામે પગલાં લેવા વડા પ્રધાન સુનકને વિનંતી કરી છે. 2014માં બીબીસીએ ‘પેનોરમા’ ટીવી શોમાં યુકેના બે ટેસ્ટ કેન્દ્રોમાં વિઝા માટે ફરજિયાત એવા ઇંગ્લિશ ટેસ્ટમાં કૌભાંડ આચરી છેતરપિંડી કરાઇ હોવાનો દાવો કર્યો હતો. જેને પગલે એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ (ETS)ની તપાસ બાદ UK હોમ ઑફિસે અચાનક 34,000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા સમાપ્ત કરી તેમની યુકેમાં હાજરીને રાતોરાત ગેરકાયદેસર બનાવી દીધી હતી. 2,400થી વધુ વિદ્યાર્થીઓને દેશનિકાલ કરાયા હતા તો હજારો લોકોએ સ્વેચ્છાએ છોડી દીધો હતો.

વોલંટીયરીંગ ગૃપ ‘માઈગ્રન્ટ વોઈસ’ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ટેકો આપી રહ્યું છે અને સોમવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આપવામાં આવેલી નવીનતમ અરજીનું સંકલન કરી રહ્યું છે. માઇગ્રન્ટ વૉઇસના ડિરેક્ટર નાઝેક રમઝાને જણાવ્યું હતું કે “તે વખતે સરકારની પ્રતિક્રિયા અન્યાયી હતી. ટેસ્ટને ફરીથી લઇને તેનો સરળ ઉકેલ લસાવી શકાયો હોત. આ કૌભાંડને કારણે વિદ્યાર્થીઓનું જીવન બરબાદ થઈ ગયું છે.”

રહેવાનો, કામ કરવાનો કે અમુક કેસમાં અપીલ કરવાનો અધિકાર ન હોવાથી મોટાભાગના આરોપી વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા હતા. જેઓ પોતાને નિર્દોષ સાબિત કરવા રોકાયા હતા તેમને બેઘર થવા સહિત મોટી કાનૂની ફી, તણાવ, બીમારીઓ સહન કરવી પડી હતી.

પાર્લામેન્ટરી અને વોચડોગ અહેવાલોએ ભૂતકાળમાં કેસમાં ઉપયોગમાં લેવાયેલા હોમ ઓફિસના પુરાવાઓમાં કેટલીક ખામીઓ દર્શાવી છે. તો કેટલાક વિદ્યાર્થીઓએ તેમની કાનૂની લડાઇ જીતી હતી. માઈગ્રન્ટ વોઈસ છેલ્લા નવ વર્ષથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે #MyFutureBack ઝુંબેશ ચલાવી રહ્યું છે અને યુકે સરકારને વિનંતી કરે છે કે આ વિદ્યાર્થીઓને તેમના કથિત છેતરપિંડીના નામો સાફ કરવાની તક આપે.

LEAVE A REPLY

two + 1 =