ભરૂચની જાણીતી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે આગ લાગતા કુલ 18 લોકોના મોત થયા છે, જેમાં 16 દર્દી અને 2 કર્મચારીઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલના ICU વોર્ડ સહિત જુદા જુદા વિભાગોમાં આગ ફેલાતા અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. સરકારે આ ઘટનામાં આઇએએસ અધિકારી દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને મૃતકોના પરિજનોને ચાર લાખની સહાય જાહેર કરી છે. મૃતકોની ઓળખ કરવામાં તેમના પરિજનોને મુશ્કેલી પડી હતી. જોકે, બાદમાં જે તે મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવેલ. આ હોસ્પિટલમાંથી 35 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનામાં ફોરેન્સિક, વીજળી વિભાગ અને ફાયર સેફ્ટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે વડોદરાના રેન્જ આઇજીપી હરિકૃષ્ણ પટેલ પણ ભરૂચ પહોંચ્યા છે.
કોરોનાકાળમાં ગુજરાતમાં ઘણી હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં મૃત્યુ પામ્યા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના સહિત પાંચ અગ્નિકાંડ થયા છે. આ ઘટનાઓમાં રાજ્ય સરકારે ન્યાયિક તપાસ અને પંચ દ્વારા તપાસ કરાવી છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં થાણે સહિત અનેક રાજ્યો અને શહેરમાં પણ આવી ઘટના બની છે.