કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ બુધવાર, 15 મે, 2024 ના રોજ નવી દિલ્હીમાં નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો આપ્યાં હતા. (PTI Photo)

ભારતમાં વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) ધારા (CAA)ના અમલ માટેના નિયમો જારી કરવામાં આવ્યાના આશરે બે મહિના પછી બુધવારે પ્રથમ વખત 14 બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતાના સર્ટિફિકેટ અપાયા હતાં. આ ધારા હેઠળ ત્રણ પડોશી દેશોમાં અત્યાચારનો ભોગ બનેલા અને ભારતમાં આવેલા બિન મુસ્લિમોને દેશની નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ ધારામાં મુસ્લિમ સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે તેનો વિરોધ પણ થયો હતો.

નવી દિલ્હીમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં 14 લોકોને પ્રતીકાત્મક રીતે નાગરિકતાના પ્રમાણપત્રો અપાયા હતા. આની સાથે અન્ય કેટલાંક લોકોને પણ ઇ-મેઇલ મારફત ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્રો મોકલવામાં આવ્યાં હતાં.

સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ માટેના એક પોર્ટલમાં અરજીઓને ઓનલાઇન પ્રોસેસ કર્યા પછી ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ 14 લોકોને સર્ટિફિકેટ આપ્યાં હતાં. 19 એપ્રિલે શરૂ થયેલી લોકસભાની ચૂંટણીની વચ્ચે આ ધારા હેઠળ પ્રમાણપત્ર અપાયા છે. છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે, જ્યારે મતગણતરી 4 જૂને થશે.

બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અત્યાચારનો ભોગ બન્યા પછી 31 ડિસેમ્બર 2014ના રોજ કે પહેલા ભારત આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીને દેશની નાગરિકતા આપવા માટે ડિસેમ્બર 2019માં આ ધારો ઘડવામાં આવ્યો હતો. સંસદમાં તેને મંજૂરી મળ્યા પછી રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી હતી. જોકે આ ધારાના અમલ માટે નિયમો જારી કરવામાં આશરે ચાર વર્ષનો સમય લાગ્યો હતો.

2019માં CAAને સંસદની બહાલી પછી દેશના વિવિધ વિસ્તારોમાં વિરોધી દેખાવો થયા હતા. આ ધારાના વિરોધીઓ તેને ભેદભાવપૂર્ણ માને છે. દેશના વિવિધ ભાગોમાં CAA વિરોધી દેખાવો અથવા પોલીસ કાર્યવાહી દરમિયાન 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જોકે શરૂઆતથી અમિત શાહ કહેતા આવ્યા છે કે સીએએના અમલને કોઈ રોકી શકશે નહીં કારણ કે તે આ દેશનો કાયદો છે. તેમણે વિપક્ષ પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો.

LEAVE A REPLY

five × 3 =