Getty Images)

કોવિડ-19ને પગલે લાદવામાં આવેલા મુસાફરી પરના પ્રતિબંધ હળવા કરાતાં જ યુવાન મહિલાઓને વિદેશ લઈ જઇને તેમના બળજબરીપૂર્વક લગ્ન કરી દેવાના બનાવો વધે તેવી શંકાના આધારે એરલાઇન સ્ટાફને બળજબરીથી કરાવવામાં આવતા લગ્નોને રોકવા માટે ફોર્સ્ડ મેરેજ રોકતી સંસ્થા ફ્રીડમ દ્વારા તાલીમ આપવામાં આવનાર છે. પ્લેનમાં મુસાફરી કરતા અને વ્યથિત દેખાતા યુવાન-યુવતીઓ, લગ્નના આભૂષણો પહેરેલા પરિવારો અને ઘણા બધા સામાન સાથે વન-વે મુસાફરી કરતા લોકો પર હવે એરલાઇન ક્રૂ નજર રાખશે.

ફ્રીડમ ચેરિટીઝે જણાવ્યું છે કે ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરાવવામાં આવશે તેવો ભય ધરાવતા યુવાનોના બમણા કરતા વધારે ફોન કોલ્સ તેમને મળી રહ્યા છે. એરલાઇનના ગ્રાઉન્ડ અને કેબિન સ્ટાફને આ માટે તાલીમ આપવામાં આવનાર છે. મોટાભાગે પાકિસ્તાનના લોકો બળજબરીપૂર્વક લગ્ન માટે બાળકોને પાકિસ્તાન લઇ જાય છે.

ઓનર બેઝ્ડ એબ્યુઝનો ભોગ બનેલા લોકોને ટેકો આપતી સંસ્થા કર્મ નિર્વાણને લોકડાઉન દરમિયાન બળજબરીથી લગ્ન કરાવવા બાબતે 3,૦62 લોકોએ સંપર્ક કર્યા હતા, જે ગયા વર્ષના સમાન ગાળા કરતા 94 ટકા વધારે હતા.

‘ફ્રીડમ’ને કોલ્સમાં 45 ટકાનો વધારો નોંધાયો હતો. તેનું ફોન એપ્લિકેશન 250,000 જેટલા બાળકો અને યુવાનો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. ચેરિટીના ચીફ એક્ઝિક્યુટિવ, અનીતા પ્રેમે જણાવ્યું હતું કે ‘’લોકડાઉન દરમિયાન પરિવાર સાથે રહેવાના અને મિત્રોથી છૂટા થવાની તીવ્રતાએ બ્રિટિશ કિશોરોને ફોર્સ મેરેજ માટે વધુ સંવેદનશીલ બનાવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં તો યુવાતીઓએ વર્ચુઅલ સમારોહમાં વિદેશી વર સાથે તેમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં છે. એક યુવતીએ તો દુકાનદારની મદદ માંગી હતી. સદનસીબે તેણે અધિકારીઓને ચેતવ્યા હતા. પરંતુ આ જોખમી છે કારણ કે તેમના માતાપિતા બાજુમાં હોઇ શકે.”

શ્રીમતી પ્રેમે ઉમેર્યું હતું કે “યુવાન છોકરીઓ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો છે જેમને તેમના કુટુંબીજનો બોજ તરીકે જુએ છે. અમે આ અંગેના સંકેતોને પારખવા માટે તાલીમ આપવા એરલાઇન્સ સ્ટાફ તેમજ બોર્ડર એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છીએ. જો હવે આપણે તેને અવગણીશું તો છોકરીઓને લગ્ન કરવા મજબૂર કરવામાં આવશે, ક્રમશ: બળાત્કાર કરવામાં આવશે અને કેટલાક આત્મહત્યા કરશે.”

કર્મ નિર્વાણના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નતાશા રત્તુએ જણાવ્યું હતું કે, ‘’ફ્રન્ટલાઈન પ્રોફેશનલ્સ તરફથી આવતા રેફરલ્સમાં ઘટાડો થયો છે અને હવે લોકો જાતેજ અબ્યુઝ અંગે જણાવે છે. તે બતાવે છે કે તેઓ કેટલા ડરેલા છે. લોકોએ વર્ષ પછી થનાર લગ્નનાં પ્લાનિંગ્સ આગળ ધપાવાયા છે અને સરકાર લગ્નોની છૂટ આપે તેની રાહ જોવાય છે.”

ધ ટાઇમ્સ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ હોમ ઑફિસે ગયા વર્ષે પીડિતો માટે રીપેટ્રીએશન ફી રદ કરી હતી અને ઇમીગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યો હતો. હવે જો કોઇ નનામી જાણ કરશે તો પણ વિદેશથી આવતો પતિ યુકે આવી શકશે નહિ.