યુકેના વિદેશ પ્રધાન એલિઝાબેથ ટ્રુસ શુક્રવાર, 22 ઓક્ટોબરે ભારતના વિદેશ પ્રધાનને મળ્યા ત્યારની ફાઇલ તસવીર.(ANI Photo)

રશિયા,બ્રિટનના વિદેશ પ્રધાનો, અમેરિકાના રાષ્ટ્રીય સલાહકાર ભારતની યાત્રાએ

યુક્રેન પર રશિયાના આક્રમણ પછી વિદેશ નેતાઓની ભારત યાત્રામાં સૂચક વધારો થયો છે. ગુરુવારથી રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવ ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાત આવશે. બીજી તરફ અમેરિકાના ભારતીય મૂળના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને રશિયા સામેના આર્થિક પ્રતિબંધો લાદવામાં મુખ્ય યોગદાન આપનારા દલીપ સિંહ 30-31 માર્ચે ભારતની મુલાકાતે લઈ રહ્યાં છે. આ ઉપરાંત બ્રિટનના વિદેશ પ્રધાન લીઝ ટ્રુસ 31 માર્ચે ભારત આવી રહ્યાં છે. જર્મનીના વિદેશ અને સુરક્ષા નીતિ સલાહકાર જેન્સ પ્લોટનેર પણ બુધવારે ભારત આવી પહોંચ્યા છે

રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવ અને ભારતના વિદેશ પ્રધાન જયશંકર (ફાઇલ તસવીર)(ANI Photo)

.ભારતના વિદેશ મંત્રાલયે એક લીટીના નિવેદનમાં જાહેરાત કરી હતી કે રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવ 31 માર્ચ-1 એપ્રિલ 2022ના રોજ નવી દિલ્હીની સત્તાવાર મુલાકાલ લેશે. આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે લાવરોવની મુલાકાત દરમિયાન ભારત દ્વારા ડિસ્કાઉન્ટ ભાવે રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી અને દ્વિપક્ષીય વેપાર માટે રૂપી-રુબલ સિસ્ટમ અમલી બનાવવાના મુદ્દે ચર્ચા થવાની ધારણા છે. લાવરોવ મુલાકાત દરમિયાન ભારત એસ-400 મિસાઇલ સિસ્ટમના કમ્પોનન્ટ અને વિવિધ મિલિટરી હાર્ડવેરના સમયસરના સપ્લાય પર ભાર મૂકે તેવી શક્યતા છે.

રશિયાના વિદેશ પ્રધાાન હાલમાં ચીનની યાત્રાએ છે. તેઓ ચીનની મુલાકાત પૂરી થયા બાદ ગુરુવારની સાંજે નવી દિલ્હી આવે તેવી ધારણા છે. રશિયા ગયા મહિને યુક્રેન પર હુમલો કર્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત છે.
વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક્સ માટે નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહ 30-31 માર્ચે નવી દિલ્હીમાં હશે. દલીપ સિંહ યુક્રેન સામે રશિયાના અયોગ્ય યુદ્ધના પરિણામોની તથા ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્કની ચર્ચાવિચારણા કરશે.

બ્રિટનના વિદેશ પ્રધાન લીઝ ટ્રુસ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે મંત્રણા યોજશે. ગયા સપ્તાહે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ઓચિંતી ભારતની મુલાકાત લીધી હતી.

 

અમેરિકાના ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ માટે ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (ANI Photo)