અચિપ્રાચીન અવશેષો માટે અને કુદરતની અનેક અજાયબી માટે કચ્છ વિસ્તાર જાણીતો છે. કચ્છમાં અગાઉ હડપ્પન સંસ્કૃતિઓના અવશેષો પછી હવે 4.7 કરોડ વર્ષ (47 મિલિયન વર્ષ) અતિપ્રાચીન વાસુકી નાગના અવશેષો મળ્યા હોવાનો દાવો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૌરાણિક હિન્દુ શાસ્ત્રોમાં વાસુકીને સર્પોનો રાજા માનવામાં આવે છે. ઉત્તરાખંડમાં રૂરકીની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના બે સંશોધકોએ ખનીજ માટે જાણીતા પાન્ધ્રોમાં એક સ્થળે કરેલા સંશોધનમાં જણાયું હતું કે, કચ્છમાં 11થી 15 મીટરની લંબાઈ ધરાવતા મહાકાય સાપ લાખો વર્ષ પહેલા વિચરતા હતા. આ સંશોધન સાયન્સ જર્નલ ‘સાયન્ટિફિક રીપોર્ટ્સ’માં પ્રકાશિત થયું છે. કાળક્રમાનુસાર નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી, તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ અનુમાન કરતાં પેલિઓન્ટોલોજીસ્ટ ડો. દેવજીત દત્તા અને સુનિલ બાજપાઈએ સંયુક્ત રીતે શોધ કરીને ખાસ રીપોર્ટ તૈયાર કર્યો છે. તેમને સંશોધન દરમ્યાન મળેલા 27 અવશેષોના નમૂના અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉના વિશાળ સાપના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ અવશેષોના આધારે દત્તાએ અનુમાન વ્યક્ત કર્યું છે કે તે સર્પ અંદાજે 15 મીટર લાંબો હશે અને તેનું વજન અંદાજે એક હજાર કિલો જેટલું હશે. નજીકમાં સમુદ્રકાંઠો હોવાથી ત્યાં તેમનું વિચરણ થયું હશે. વાસુકી બિનઝેરી સર્પ હશે અને આજના અજગર કે એનાકોન્ડા જેવા સાપની જેમ તે મારણ ફરતે વીંટળાઈને તેનો શિકાર કરતો હશે. તે યુગમાં પૃથ્વી પરનું તાપમાન આજના તાપમાન કરતાં અનેકગણું વધારે હશે. સર્પનું હાડપિંજર-અવશેષ અડધા મળ્યાં છે તેથી તેની લંબાઈ અને વજનનો તેમણે અંદાજ મુક્યો છે. હવે લુપ્ત થઈ ગયેલા મેડરસોઇટ પ્રજાતિનો એક ભાગ એવા આ સાપ આફ્રિકા, યુરોપ અને ભારત સહિતના સ્થળોએ રહેતા હોવાનું જાણીતું છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે, સાપ ભારતમાં ઉદભવતા “વિશિષ્ટ વંશ” નું પ્રતિનિધિત્વ કરે છે. સંશોધકોએ આ નવી શોધાયેલ સાપની પ્રજાતિનું નામ `વાસુકી ઇન્ડિક્સ’ રાખ્યું છે, હિન્દુ દેવતા શિવના ગળામાં આવેલા પૌરાણિક સાપ પરથી રાખ્યું છે.
નોંધનીય છે કે, 2009માં ઉત્તર કોલંબિયાની કોલસા ખાણમાં આ જ રીતે વાસુકીના પૂર્વજ એવા વિશાળ સર્પ ટાઈટનોબોઆના અવશેષો મળ્યાં હતાં, જે 13 મીટર લાંબો અને 58થી 60 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર જોવા મળતો હતો.
પાન્ધ્રો ખાણમાંથી મળેલાં અશ્મિના આધારે બંને તજજ્ઞો એવું અનુમાન કર્યું હતું કે, ૫૦ મિલિયન વર્ષ અગાઉ જ્યારે ભારતીય ઉપખંડની જમીનની પ્લેટ યુરોપની યુરેશિયા પ્લેટ સાથે ટકરાઈ ત્યારપછીના યુગમાં આ સર્પનું અસ્તિત્વ જોવા મળે છે. વાસુકીનું અસ્તિત્વ ભારતથી લઈ દક્ષિણ યુરેશિયા અને ઉત્તર આફ્રિકા સુધી વિસ્તરેલું હશે. મોટાભાગે તેનો ખોરાક મગરમચ્છો, માછલીઓ અને પ્રાચીન વ્હેલ માછલીઓ હશે. 12 હજાર વર્ષ પૂર્વે આ મહાસર્પ પ્રજાતિનો પૃથ્વી પરથી વિનાશ થયો હશે.

LEAVE A REPLY

10 + 9 =