Getty Images)

ઉનાના કૉંગ્રેસ ધારાસભ્ય પુંજાભાઇ વંશના કેસમાં કૉંગ્રેસ પક્ષે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. કૉંગ્રેસની રજૂઆત પ્રમાણે પોલીસ વિભાગ સરકારના રાજકીય એજન્ડાનો હાથો બની ગયો છે. આ રીતે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને હેરાન કરવાના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જેની જાણ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતા કહ્યુ હતુ કે, ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજવી જોઇએ.

અમિત ચાવડાએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી કે, જરૂર લાગે તો કૉંગ્રેસના ધારાસભ્યોને ચૂંટણી પંચ દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવું જોઇએ અથવા જો કોઇ ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવા તો તેઓ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ. ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે. ધારાસભ્યને સરકારના ઇશારે ધાક-ધમકી આપવામાં આવી રહી છે. ચૂંટણી પંચની જવાબદારી છે કે ધારાસભ્યોના સંવૈધાનિક અધિકારોનું રક્ષણ કરે.

અમિત ચાવડા વધુમા જણાવ્યુ હતુ કે જરૂર પડશે તો કૉંગ્રેસ પક્ષ ન્યાયાલયના દ્વાર પણ ખખડાવશે. જનતાની અદાલતમાં જઈને પણ બિન-લોકશાહી ઢબની ભાજપ સરકારની નીતિ અને રીતિ સામે લડાઈ લડવામાં આવશે. ચૂંટણી પંચ સાથે વીડિયો કૉન્ફરન્સમાં રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અભિષેક મનુ સિંઘવી, રાજીવ સાતવ સહિતના નેતાઓ જોડાયા હતા.

નોંધનીય છે કે 2020 રાજ્યસભાની ચૂંટણી પહેલા અત્યાર સુધા કૉંગ્રેસ પક્ષમાંથી આઠ ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે. હાલ તમામ ધારાસભ્યોને અલગ અલગ ઝોન પ્રમાણે રિસોર્ટમાં રાખવાનાં આવ્યા છે. ઉનાના ધારાસભ્ય પૂજા વંશને પોલીસે ત્રણ સમન્સ પાઠવ્યા છે. જે કેસમાં તેઓનું ફરિયાદમાં નામ નથી તે ઘટના માટે તેઓને સ્થાનિક તપાસ ટીમ તરપથી પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણી તારીખે જેમ નજીક આવી રહી છે તેમે તેમ રસપ્રદ ઘટનાઓ અને રાજકીય વળાંક બહાર આવી રહ્યા છે.