કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે 26મી એપ્રીલ થી કેસર કેરીની સીઝન શરૂ થઈ છે. જેમાં 11 મે સુધીમાં યાર્ડમાં દસ કિલોગ્રામના 50 હજાર જેટલા જ બોક્સની આવક થઇ છે. તેની સરખામણીએ ગત વર્ષે પ્રથમ 16 દિવસમાં યાર્ડમાં 10 કિલોગ્રામના બે લાખથી પણ વધુ બોક્સની આવક થઇ હતી. તાલાલા ગીર પંથકમાં આ વર્ષે કેસર કેરીના પાકને હવામાનની અસરને કારણે પંથકના 45 ગામમાં આવેલ 15 લાખથી પણ વધુ કેસર કેરીના આંબામાંથી માત્ર 20 ટકા વૃક્ષોમાં કેરીનો ફાલ આવ્યો છે. આ સ્થિતિને કારણે ખેડૂતોમાં પણ નિરાશા વ્યાપી છે. ઓછા પાકને કારણે યાર્ડમાં વેચાણ માટે આવતી કેરીના ભાવ વિક્રમજનક સપાટી એ છે જેથી 16 દિવસમાં યાર્ડમાં આવેલ 50 હજાર બોક્સના રૂ. ચાર કરોડથી પણ વધુ રકમની ઊપજ થઈ હોવાથી ખેડૂતોને થોડી રાહત મળી છે.