(ANI Photo)

બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ 14 વર્ષ પછી રાજકારણમાં પુનરાગમન કર્યું છે. અગાઉ કોંગ્રેસના સાંસદ રહી ચુકેલ ગોવિંદા ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયાં હતાં.

જોકે 150થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનેય કરનાર 60 વર્ષીય દિગ્ગજ કલાકાર મુંબઈથી ચૂંટણી લડશે કે નહીં તે અંગેની કોઇ જાહેરાત કરાઈ ન હતી. ગોવિંદા અને શિંદે બંનેએ અભિનેતા લોકસભાની ચૂંટણી લડશે કે કેમ તે અંગેના પ્રશ્નોના સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું.

બોલિવૂડના રાજા બાબુ ગોવિંદા મુંબઈ-ઉત્તર લોકસભાના કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ છે. તેમણે 2004માં ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવી જીત મેળવી હતી. સાંસદ તરીકેનો  કાર્યકાળ પૂરી થયા પછી કુલી નંબર 1 સ્ટાર ગોવિંદાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને રાજકારણમાંથી સંપૂર્ણ પણે બ્રેક લીધો હતો.

ગોવિંદાએ જણાવ્યું હતું કે હું 14મી લોકસભાનો ભાગ હતો…14 વર્ષ પછી હું ફરીથી રાજકારણમાં પાછો આવ્યો છું…તે 14 વર્ષના લાંબા ‘વનવાસ’ પછી પાછા આવવા જેવું છે. 2004થી 2009 સુધીના મારા કાર્યકાળ પછી મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ફરીથી રાજકારણમાં પાછો ફરીશ… ભગવાનના આશીર્વાદથી હું ફરી રાજકારણમાં જોડાઈ રહ્યો છું.

ચૂંટણી લડશે કે નહીં તેવા  પ્રશ્નના જવાબમાં ગોવિંદાએ જણાવ્યું હતું કે “મને જે પણ કામ સોંપવામાં આવશે, હું મારી ક્ષમતા મુજબ કરીશ.” તેમણે ઉમેર્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિ તથા વૈશ્વિક સ્તરે ભારતના વધતા મહત્વ અને તેની સફળતાની વાર્તાથી પ્રેરિત થઈને શિવસેનામાં જોડાયા છે.

 

LEAVE A REPLY

twelve − twelve =