પ્રતિકાત્મક તસવીર (istockphoto)

હેલ્થવોચ ઇંગ્લેન્ડે કહ્યું છે કે જો લોકો તેમના ફેમિલી ડૉક્ટર એટલે કે જી.પી.ની ફેસ-ટુ-ફેસ એપોઇન્ટમેન્ટના અભાવે જોઈતી સંભાળ મેળવી નહિં શકે તો તે દર્દીઓને આરોગ્યનું જોખમ ઉભુ થશે. જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે, 64 ટકા લોકોને જી.પી. સેવાઓ મેળવવા માટે એપોઇન્ટમેન્ટ મેળવવામાં મુશ્કેલી આવી હતી. વોચડોગના જણાવ્યા મુજબ નિયંત્રણો સરળ થયા હોવા છતાં જી.પી.ને મળવાનું વધુ મુશ્કેલ બની રહ્યું છે. આમ થવાથી અન્ય એનએચએસ સેવાઓ પરનું દબાણ વધુ વકરશે.

1 મે થી 15 જૂનની વચ્ચે, દર્દીઓના જૂથ, હેલ્થવોચનો સંપર્ક કરનારા 79 ટકા લોકોને જી.પી.ની સેવાઓ મુશ્કેલ લાગી હતી. ફક્ત 10 ટકા લોકોનો અનુભવ સરળ હતો. જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે, 64 ટકા લોકોને જી.પી. સેવાઓ મેળવવામાં મુશ્કેલી આવી હતી અને 27 ટકા લોકોને તે સરળ લાગ્યું હતું.

ડોકટરોના નેતાઓએ જણાવ્યું હતું કે જી.પી. પ્રેક્ટીસીસ નિયમિત એપોઇન્ટમેન્ટ આપવા સાથે લાખો લોકોને કોરોનાવાઇરસની રસી આપવાના કારણે પહેલા કરતા વધુ વ્યસ્ત હતી. લોકડાઉન દરમિયાન અથવા હોસ્પિટલના વેઇટીંગ લીસ્ટના કારણે તેમની સ્થિતિ વધુ વણસી હોવાથી જીપીને ઘણા દર્દીઓની વધુ કાળજી લેવી પડે છે.

હેલ્થવોચ ઇંગ્લેન્ડના નેશનલ ડાયરેક્ટર ઇમેલ્ડા રેડમંડે જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે વર્કલોડ અને કામનું દબાણ હોય છે. પરંતુ જીપી સાથેની રૂબરૂ એપોઇન્ટમેન્ટ બુક કરાવવામાં મુશ્કેલ લાગે છે ને તે ચિંતાજનક છે.”

તેમણે એન.એચ.એસ. ઇંગ્લેન્ડ દ્વારા જીપીની ઔપચારિક સમીક્ષા માટે હાકલ કરી હતી અને તપાસ કરવા જણાવ્યું હતું કે લોકો જી.પી.ની સેવા કેવી રીતે મેળવી શકે અને કેવી મદદની જરૂર છે. દર્દીઓનું પહેલાં રિમોટ કન્સલ્ટેશન કરીને તે જ મુદ્દા માટે ફરીથી એપોઇમ્ટમેન્ટ કરાવવાથી “નિદાનમાં વિલંબ થાય છે અને સમયસર સારવાર મળતી નથી.”

એપ્રિલમાં 23.8 મિલિયન જી.પી. એપોઇન્ટમેન્ટમાંથી 23 મિલિયન એટલે કે 55 ટકા વ્યક્તિગત રૂપે હતી. જ્યારે એપ્રિલ 2019માં 23.9 મિલિયન એપોઇન્ટમેન્ટ પૈકી 83 ટકા કન્સલ્ટેશનવ વ્યક્તિગત રૂપે હતું.

રોયલ કોલેજ ઓફ જી.પી.ના અધ્યક્ષ પ્રોફેસર માર્ટિન માર્શલે કહ્યું હતું કે “હજુ પણ વ્યવહારમાં સાવધાની અને ચેપ નિયંત્રણના પગલાં લેવાની જરૂર છે.”