Narendra Modi Stadium in Guinness Book of World Records
(ANI Photo)

અમદાવાદ ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ IPL ટુર્નામેન્ટની ફાઈનલ 2022 સમયે સૌથી વધારે દર્શકોની ઉપસ્થિતિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાયું છે, એવી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે રવિવારે જાહેરાત કરી હતી. આ સ્ટેડિયમમાં 29 મે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ફાઇનલ રમાઈ હતી.

આ સ્ટેડિયમ અગાઉ ગુજરાત ક્રિકેટ સંઘ (GCA) સ્ટેડિયમ મોટેરા નામથી ઓળખાતું હતું. તેની ક્ષમતા આશરે 1.10 લાખ દર્શકોની છે, જે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)થી 10,000 કરતાં વધારે છે. MCGની ક્ષમતા 1,00,024 દર્શકોની છે.

જય શાહે ટ્વિટ કરી જણાવ્યું હતું કે મને ગર્વ અને ખુશી છે કે GCA મોટેરાના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમને કોઈ એક T20 મેચમાં સૌથી વધારે દર્શકોની ઉપસ્થિતિ માટે ગિનેસ બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ સ્ટેડિયમમાં 29 મે 2022ના રોજ IPLની ફાઈનલ સમયે 101,566 દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. આ શક્ય બનાવવા બદલ અમારા પ્રશંસકોનો ખૂબ-ખૂબ આભાર.

અગાઉ IPL 2022ની ફાઈનલ અગાઉ પણ BCCIએ સૌથી મોટી ક્રિકેટ જર્સી માટે ગિનેસ બુકમાં નામ નોંધાવ્યું હતું. આ જર્સી પર તમામ 10 IPL ટીમના લોગો હતા. તે સમયેના BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને તે સમયના IPL અધ્યક્ષ બ્રૃજેશ પટેલે ગિનેસ રેકોર્ડ રિસીવ કર્યો હતો. આ વિશાળ જર્સીનું કદ 66 બાય 42 મીટર હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સ્થિત આ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલ છે અને તે આશરે રૂા. 800 કરોડના ખર્ચથી તૈયાર થયું છે. આ સ્ટેડિયમમાં 76 કોર્પોરેટ બોક્સ, ચાર ડ્રેસિંગ રૂમ ઉપરાંત ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. એક સાથે ચાર ડ્રેસિંગ રૂમ ધરાવતું તે વિશ્વનું પ્રથમ સ્ટેડિયમ છે અને આજે આ સ્ટેડિયમ ગિનેસ બુકમાં સ્થાન પામ્યુ છે.

LEAVE A REPLY

11 + six =