ક્રેડિટ રેટિંગ એજન્સી કેર રેટિંગના દેશના અગ્રણી રાજ્યોના રજૂ કરેલા કમ્પોઝિટ રેન્કિંગ અનુસાર મહારાષ્ટ્ર ટોચના ક્રમે રહ્યું છે. ગુજરાત બીજા ક્રમે રહ્યું છે અને કર્ણાટક ત્રીજા ક્રમ પર છે. મહારાષ્ટ્રનો કમ્પોઝિટ ઈન્ડેક્સ 56.5 છે, ગુજરાતનો કમ્પોઝિટ ઈન્ડેક્સ 51.8 છે. કેરરેટિંગ્સના આ રેન્કિંગમાં તેલંગણા ચોથા ક્રમે અને તમિલનાડુ પાંચમા ક્રમ પર છે.
આ રેન્કિંગમાં સાત મહત્વના માપદંડને આધારે સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં આર્થિક, રાજકોષીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઈનાન્શિયલ ડેવલપમેન્ટ, સોશિયલ, ગવર્નન્સ એન્ડ એન્વાયર્મેન્ટ (ESG)નો સમાવેશ છે.
ગુજરાતનું પરફોર્મન્સ સાનુકૂળ ફિસ્કલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાને કારણે વધારે સારું રહ્યું હતું. ઈકોનોમિક કેટેગરીમાં ગુજરાત ટોચના ક્રમે રહ્યું છે કારણ કે તેની માથાદીઠ આવક વધારે છે, વિદેશી રોકાણ મજબૂત છે, અને કેપિટલ ફોર્મેશન સારું છે. કર્ણાટક અને મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરને કારણે અગ્રેસર રહ્યા છે.
ટોચના ક્રમે રહેલા મહારાષ્ટ્રમાં ધિરાણનું વિતરણ મોટાપાયે થયું છે, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા ક્ષેત્રે ગ્રોથ વધારે જોવાયો છે જેને કારણે સમગ્ર રીતે અને ફાઈનાન્શિયલ ડેવલપમેન્ટની કેટેગરીમાં તે ટોચના ક્રમે રહ્યું છે.
