ન્યૂયોર્કની અપીલ કોર્ટે હાર્વી વેઈનસ્ટેઇનની 2020ની સેક્સ ગુનાઓ અંગેની સજાને ગત ગુરુવારે માન્ય ઠેરવી હતી. હવે બદનામ થયેલ ફિલ્મ નિર્માતા તેની 23 વર્ષની સજાનો નોંધપાત્ર ભાગ પૂરો કરશે તેવી સંભાવના વધી ગઇ છે. ગત ઉનાળાની સીઝનથી, 70 વર્ષીય વેઈનસ્ટેઇન લોસ એન્જલસમાં તેની ટ્રાયલની રાહ જોઈ રહ્યો છે, જ્યાં તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ અને દબાણપૂર્વક મૂખમૈથુન સહિતના ગુનાઓ તેમ જ સેક્સ ક્રાઇમ સંબંધિત અન્ય આરોપ મૂકવામાં આવ્યો છે. તેની ટ્રાયલની તારીખ આ મહિને નક્કી થવાની અપેક્ષા છે.
2017માં ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં વેઈનસ્ટેઇને મહિલાઓ પર સેકસ્યુઅલ હુમલો કર્યા હોવાના સમાચારો પ્રકાશિત થયા હતા, જેના સમર્થનમાં બારેક લોકોએ નિવેદન આપ્યું હતું અને અંતે તે મી ટુ અભિયાન તરીકે જાણીતું બન્યું હતું, તે વગદાર પુરુષો દ્વારા થતાં શારીરિક ગેરવર્તનનું વૈશ્વિક રીતે ખંડન કરતું હતું. આ ઘટનાને કારણે અન્ય લોકો સામે આક્ષેપો થયા અને સેક્સ્યુઅલ દુર્વ્યવહાર અને હુમલાની સર્વવ્યાપકતા અને આવા વર્તનથી થતા નુકસાન વિશે વ્યાપક ચર્ચા શરૂ થઈ હતી. એક વર્ષ કરતાં ઓછા સમય પછી, હોલીવૂડના જાણીતા નિર્માતા વેઈનસ્ટેઇનને મેનહટનના પ્રોસીક્યુટર્સ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમના સેક્સ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યા હતા.
તેની ટ્રાયલ જાન્યુઆરી 2020માં શરૂ થઈ, અને તે ફેબ્રુઆરીના અંતમાં, તેને જ્યૂરી દ્વારા ગંભીર દુષ્કર્મના બે મોટા ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોકે, તેને હિંસક સેક્સ્યુઅલ હુમલાના બે આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં તેને 23 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, અને અંદાજે એક વર્ષ પછી તેના એટર્નીએ તે નિર્ણય સામે અપીલ કરી હતી.