High voltage campaign of veteran leaders of all three parties in Gujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 21 નવેમ્બરે સુરેન્દ્રનગરમાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું. (PTI Photo)

આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં સોમવાર (21 નવેમ્બર)એ હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો. ટોચના ત્રણ પક્ષોના ટોચના નેતાઓ રાજ્યભરમાં અનેક રેલીઓને સંબોધન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ ‘વિજય સંકલ્પ સંમેલન’ રેલીઓને સંબોધિત કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચાર જાહેર સભાઓ કરી હતી. ભાજપના સ્ટાર પ્રચારક તેમજ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક જનસભાને પણ ગજવી હતી.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે જનસભાને સંબોધન કરીને કોંગ્રેસ માટે વોટ માંગ્યા હતા, જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે અમરેલી રોડ શો યોજ્યો હતો અને ખંભાળિયામાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ સુરત જિલ્લાના મહુવા અને રાજકોટ શહેરમાં જનસભાને સંબોધન કર્યું હતું.

મોદી દિવસભર સુરેન્દ્રનગર, જબુસર અને નવસારીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, જ્યારે અમિત શાહે દ્વારકા, સોમનાથ, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં જાહેર સભાઓને સંબોધી હતી. યોગી આદિત્યનાથ મહેમદાવાદ વિધાનસભા ક્ષેત્રમાં જનસભાને સંબોધીને ભાજપ માટે વોટ માંગ્યા હતા.

વિપક્ષ વિકાસની જગ્યાએ ઔકાતની વાતો કરે છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કરતા કહ્યું કે જેઓ સત્તા પરથી ફેંકાઈ ગયા છે તેઓ સત્તામાં પાછા આવવા માટે પગપાળા કૂચ કરી રહ્યા છે. ગુજરાતના સુરેન્દ્રનગર શહેરમાં એક સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન વિકાસની વાત કરવાને બદલે વિપક્ષ કોંગ્રેસ એમ કહી રહી છે કે તે તેમને તેમની “ઓકત” બતાવશે.”હવે, કોંગ્રેસ ચૂંટણી દરમિયાન વિકાસની વાત કરતી નથી. તેના બદલે, કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે તેઓ મોદીને તેમની ઔકાત બતાવશે. જરા તેમના ઘમંડને જુઓ. તેઓ ખરેખર એક રાજવી પરિવારના છે, જ્યારે હું માત્ર એક સેવક છું, જેની કોઇ ઔકાત નથી.

તેમણે જણાવ્યું હતું કે “ભૂતકાળમાં, કોંગ્રેસે મારા માટે ‘નીચ આદમી’, ‘મૌત કા સૌદાગર’ અને ‘નાલી કા કીડા’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. હું તમને વિનંતી કરું છું કે આ ‘ઓકત’ની રમત રમવાને બદલે વિકાસની વાત કરો.”
મોદી તાજેતરમાં મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રામાં જોડાયેલા નર્મદા બચાવો આંદોલનના આગેવાન મેધા પાટકરનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે આ વિસ્તારના લોકો પાણીની તીવ્ર તંગીથી પીડાતા હતા. તે સમયે, મેં આ પરિસ્થિતિ સુધારવાની પ્રતિજ્ઞા લીધી હતી.

નવસારીમાં ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાને મોદીએ જણાવ્યું હતું કે તમારા વોટની તાકાતથી આજે ગુજરાત નંબર વન છે. આ મોદીનો વટ પણ તમારા વોટમાં છે. તમારો વોટ છે તો મોદીનો વટ છે. નવસારીના ચીકુ પકવતા ખેડૂતોને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે નવસારીના ચીકુ દિલ્હીમાં વેચાઈ રહ્યા છે. દિલ્હીમાં બધા નેતાઓ નવસારીના ચીકુ ખાતા થઈ ગયા છે. હવે કમનસીબી એ છે કે, ચીકુ નવસારીના ખાઈ અને ગાળો અહીં આવીને આપે છે’

જંબુસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તમને એવો પ્રધનમંત્રી મળ્યો છે, જેને ખબર છે કે જંબુસર ક્યાં આવ્યું છે, ભરૂચ ક્યાં આવ્યું છે, આમોદ ક્યાં આવ્યું, એટલે જ એક એક ગુજરાતી કહે છે ફીર એકબાર મોદી સરકાર. એક એક ગુજરાતી બોલે છે કે આ ગુજરાત મે બનાવ્યું છે. ભાજપે ગુજરાતમાં એવો ઝંડો રોપી દીધો છે કે તમામ પાર્ટી આવે તો પણ ગુજરાતીઓ ભાજપને જ મત આપે, બાકીની પાર્ટીઓને રવાના કરી દે.

રાહુલ ગાંધીએ મોદીએ સરકાર પર પ્રહાર કર્યા

સુરતની ચૂંટણીસભામાં રાહુલ ગાંધી (ANI Photo)ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણીપ્રચાર માટે આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુરત અને રાજકોટમાં જનસભા સંબોધી હતી. તેમણે મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું હતુ. સભામાં રાહુલ ગાંધીનું અડધે સુધીનું ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું. જેના બાદ તેઓએ હિન્દીમાં સંબોધન કર્યુ હતું

સુરતના મહુવામાં રાહુલ ગાંધીએ સભા સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ભાજપના લોકો તમને આદિવાસી નહીં, વનવાસી કહે છે. તમે વનવાસી નહીં આદિવાસી છો. આ દેશ તમારો છે. આદિવાસીઓને ફાયદો આપતા કાયદા લાગુ જ નથી થયા. ભાજપના લોકો તમારી જમીન છીનવા માગે છે. આદિવાસીઓ દેશના પહેલા માલિક છે. અમારી સરકારમાં આદિવાસીઓને શિક્ષણ મળશે.

ગુજરાત અને ગાંધીજીની વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આજે ગુજરાત આવ્યો અને આ રસ્તો મહાત્મા ગાંધીએ દેશને આપ્યો હતો. ગાંધીજીના રસ્તે જ ભારત જોડો યાત્રા કરી રહ્યો છું. આ યાત્રામાં પણ ગુજરાતનો ઇતિહાસ છે લાગણી છે અને સંસ્કારો છે. યાત્રામાં આનંદ થાય છે પરંતુ એક દુઃખ પણ થાય છે. ભારત જોડાઈ રહ્યું છે ત્યારે આદિવાસીઓ, ખેડૂતો અને યુવાઓને મળીને દુઃખ થાય છે. ખેડૂતોને યોગ્ય ભાવ અને વીમાના પૈસા નથી મળતા. યુવાઓ બેરોજગાર છે તેમના સપનાઓ તૂટી રહ્યા છે. કાલે સાંજે એક યુવાન અમારી યાત્રામાં આવ્યો તેનું નામ રામ હતું. તે મને ગળે વળગીને રડી પડ્યો હતો. તેનો આખું પરિવાર કોરોનામાં મૃત્યુ પામ્યો હતો. આદિવાસીઓ સાથે વાત કરીને જાણવા મળ્યું કે એમની જમીન હડપ કરી લેવામાં આવી. તેમને પૂછ્યા વગર ઉદ્યોગપતિઓને જમીન આપી દેવામાં આવે છે.

LEAVE A REPLY

4 × 3 =