hike in interest rates in Europe despite recession fears
યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)ની મોનેટરી પોલિસી મીટિંગ બાદ ઇસીબીના પ્રેસિડન્ટ ક્રિસ્ટીના લેગાર્ડે ફ્રેન્કફર્ટમાં 8 સપ્ટેમ્બરે ન્યૂઝ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. REUTERS/Kai Pfaffenbach

ફુગાવાને અંકુશમાં લેવા માટે યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ ગુરુવાર (28 ઓક્ટોબર)એ વ્યાજદરમાં 0.75 ટકાનો ધરખમ વધારો કર્યો હતો અને આગામી સમયમાં તેમાં વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે. વ્યાજદરમાં આ વધારો યુરો કરન્સીના ઇતિહાસમાં સૌથી ઝડપી છે તેનાથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે સેન્ટ્રલ બેન્ક મંદીનો સામનો કેવી રીતે કરશે. યુરોપમાં હાલમાં ફુગાવાનો દર 9.9 ટકા છે. અમેરિકામાં ફુગાવો 8.2 ટકાના 40 વર્ષના ઊંચા સ્તરની નજીક છે.

ઇસીબીની 25 સભ્યોની ગવર્નિંગ કાઉન્સિલે ફ્રેન્કફર્ટમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદરમાં 0.75 ટકાનો તોતિંગ વધારો કર્યો હતો. ગયા મહિનાની બેઠકમાં પણ આટલો મોટો વધારો કરવામાં આવ્યો હતો. કન્ઝ્યુમર ફુગાવાને કાબુમાં લેવા માટે મંદીનો ભય હોવા છતાં અમેરિકાની ફેડરર રિઝર્વ પણ વ્યાજદરમાં સતત વધારો કરી રહી છે. યુરોપમાં થોડા સમય પહેલા એટલે જુલાઇમાં ડિપોઝિટ રેટ ઝીરોથી નીચે હતા, જે હવે વધીને 1.5 ટકા થયા છે.

ECBના વડા ક્રિસ્ટીન લેગાર્ડે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, “ફુગાવો ઘણો ઊંચો છે અને લાંબા સમય સુધી અમારા લક્ષ્યાંકથી ઉપર રહેશે.” બેન્ક નીતિ નિર્માતાઓ ફુગાવો સમયસર ઘટીને 2% લક્ષ્યાંક સુધી આવી જાય તે સુનિશ્ચિત કરવા વ્યાજ દરોમાં વધુ વધારો કરવા માગે છે.

ECBએ માત્ર ત્રણ મહિનામાં 19-દેશોના યુરો વિસ્તાર માટેના વ્યાજદરોમાં 2 ટકાનો વધારો કર્યો છે. અગાઉ 2005-2007માં રેટહાઇક તબક્કા દરમિયાન 18 મહિનામાં તથા અને 1999-2000માં 17 મહિનામાં વ્યાજદરમાં આટલો મોટો વધારો થયો હતો.

વિશ્વભરની સેન્ટ્રલ બેંકો ઝડપથી વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. તેનાથી બિઝનેસ અને ગ્રાહકો માટે ધિરાણના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. તેમનો ધ્યેય યુક્રેનમાં રશિયાના યુદ્ધ સાથે જોડાયેલા ઊંચા ઊર્જાના ભાવો, રોગચાળા પછીના પુરવઠામાં અવરોધો અને COVID-19 નિયંત્રણોને પગલે ફુગાવામાં થયેલા વધારાને અંકુશમાં લેવાનો છે. અમેરિકાની ફેડએ ગયા મહિને સતત ત્રીજી વખત વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો.

LEAVE A REPLY

18 − 14 =