પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

હોકી ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે ઈંગ્લેન્ડમાં પ્રવર્તી રહેલી કોરોના વાઈરસના રોગચાળાની સ્થિતિ અને યુકેના ભારત પ્રત્યેના ભેદભાવભર્યા ક્વોરન્ટાઈન નિયમોના કારણે ભારતીય હોકી ટીમ આવતા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહીં.
હોકી ઈન્ડિયાના પ્રેસિડેન્ટ જી. નિન્ગોમ્બમે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ નરિન્દર બત્રાને આ નિર્ણયની જાણ કરી હતી. હોકી ઈન્ડિયાએ એવું કારણ દર્શાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ અને એ પછી હેંગઝોઉમાં રમાનારી એશિયન ગેમ્સ વચ્ચે ફક્ત 32 દિવસનો ગાળો છે. એશિયન ગેમ્સ પેરિસ ઓલિમ્પિક્સ માટેની ક્વોલિફાઈંગ ઈવેન્ટ હોવાથી તેમાં ભાગ લેવો મહત્ત્વનો છે અને બે સ્પર્ધાઓ વચ્ચે પુરતો ગાળો નહીં હોવાથી એશિયન ગેમ્સને દેખિતી રીતે વધુ પ્રાધાન્ય આપવું પડે.
ઈંગ્લેન્ડે પણ હજી સોમવારે જ – એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે, આવતા મહિને (નવેમ્બરમાં) ભુવનેશ્વરમાં રમાનારી જુનિયર વર્લ્ડ કપ હોકી સ્પર્ધામાં ઈંગ્લેન્ડની હોકી ટીમ ભારતના 10 દિવસના ક્વોરન્ટાઈનના નિયમોના કારણે ભાગ લઈ શકશે નહીં. ઈંગ્લેન્ડે તે ઉપરાંત પણ કોરોના સંબંધી અન્ય ચિંતાઓ પોતાના નિર્ણય માટે કારણરૂપ ગણાવી હતી.