ભારતમાં છેલ્લા પાંચ મહિનામાં પૂર, ભૂસ્ખલન, વીજળી પડવા જેવી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં બે હજારથી વધુ લોકોના મોત થયા હતા અને 101 લોકો હજુ પણ ગાયબ છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના રીપોર્ટ મુજબ દેશમાં 1લી એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં પંજાબ, હિમાચલ પ્રદેશમાં ભયાનક પૂરથી વિકટ સ્થિતિ થઈ ગઈ છે અને ઉત્તરાખંડમાં ફરીથી ભૂસ્ખલન થતાં ઘણાં લોકો બેઘર બન્યા છે. ચાર-પાંચ મહિનામાં દેશના ૩૩૫ જિલ્લાઓમાં આવી દુર્ઘટનાઓ નોંધાઈ હતી. દરમિયાન પંજાબમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. જળસપાટી વધી જતાં ભાખડા અને પોંગ ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હોવાથી 25 જેટલા ગામડાં ડૂબી ગયા હતા.

બિહારમાં સૌથી વધુ ૫૧૮ લોકોના વરસાદી દુર્ઘટનાઓમાં મૃત્યુ થયા હતા. હિમાચલમાં અત્યાર સુધીમાં ૩૩૦ લોકોનાં મોત થયા છે અને ૧૫૮૪ લોકોને ઈજા પહોંચી હતી. મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદી દુર્ઘટનાઓ નોંધાઈ છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ૮૯૨ લોકો પૂરમાં તણાઈને મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૫૦૬ લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા. ભૂસ્ખલનની ઘટનાઓમાં ૧૮૬ લોકોનો ભોગ લેવાયો હતો. એ સિવાયની વરસાદી ઘટનાઓમાં જેવી કે અતિ ભારે વરસાદથી દિવાલ ધસી પડવી વગેરેમાં ૪૫૪ લોકોનાં મોત નોંધાયા હતા.

LEAVE A REPLY

1 + twelve =